Navsari News: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા બિલીમોરા શહેરમાં શ્રાવણ માસના મેળા દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ચાલી રહેલા મેળામાં ગત રાત્રે 'ટોરાટોરા' નામનું ચકડોળ અચાનક તૂટી પડ્યું હતું, જેના પરિણામે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાં રાઈડ ઓપરેટર, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો અને મેળાના સંચાલકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બિલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે રાઈડ ઓપરેટર બકીરને વધુ ગંભીર ઇજા થતાં તેને સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. સદનસીબે, હાલમાં તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોમાં 14 વર્ષના જશ રાજીવભાઈ ટંડેલ, અમલસાડના રોશનીબેન વિકાસભાઈ પટેલ (30), તલાવચોરાના દિશાબેન રાકેશભાઈ પટેલ (21), બિલીમોરાના દીર્ઘ હેમંતભાઈ ટંડેલ (14), અને રાઈડ ઓપરેટર બકીર (આશરે 30)નો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાં જ બિલીમોરા ફાયર વિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બિલીમોરા પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે અને મેળાના સંચાલકો સામે બેદરકારીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આ દુર્ઘટનાએ મેળામાં મુકાતી રાઈડ્સની સલામતી અને જાળવણી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે, અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન થાય તે માટે કડક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.