Narmada News: આદિવાસી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી તેમની જામીન અરજીની સુનાવણી આજે પણ પૂર્ણ ન થઈ શકી. રાજ્ય સરકાર તરફથી વકીલે વધુ સમયની માંગ કરતા હાઈકોર્ટ દ્વારા સુનાવણી 5 ઑગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે.
ધારાસભ્ય ચૈતર વસાવા ગત 5 જુલાઈથી વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. તેમણે રજૂ કરેલી જામીન અરજી પર હાઈકોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી, પરંતુ આજે સમયના અભાવે નિર્ણય અપાઈ શક્યો નહિ. કાયદાની પ્રક્રિયાને ધ્યાને રાખીને, હવે મહત્વપૂર્ણ સુનાવણી આગામી 5 ઑગસ્ટે હાથ ધરાશે. ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર થાય છે કે નહિ, તેની સામે હવે તમામની નજર રહેશે.
કોર્ટની કાર્યવાહી અનુસાર, તમામ દલીલો, પુરાવા અને તથ્યોને આધારે જ નિર્ણય લેવામાં આવશે. તેથી ધારાસભ્યને તાત્કાલિક રાહત મળવાની શક્યતા હાલ તો નહિવત દેખાઈ રહી હોય ધારાસભ્યએ હજુ વધુ સમય માટે જેલવાસ ભોગવવો પડશે.
ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા તાલુકામાં મહિલા અધિકારી અને અન્ય અધિકારીઓ સાથે બદસલૂકી અને હુમલાની ફરિયાદ નોંધાઈ હતી. હુમલાનો પ્રયાસ અને સત્તાનો દુરુપયોગ સહિત અનેક ગંભીર કલમો હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ મામલે તેઓ 5 જુલાઈથી વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.