Narmada News: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. ડેમની જળ સપાટી 1.24 મીટર વધી છે. હાલમાં ડેમની સપાટી 126.63 મીટર સુધી પહોંચી ગઈ છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ડેમમાં પાણી સ્ટોરેજની ટકાવારી 65.01 ટકા થઇ
તાજા આંકડા મુજબ, ડેમમાં કુલ પાણીનો સંગ્રહ 6149.48 MCM છે, જે કુલ ક્ષમતા સામે 65.01 ટકા છે. પાણીની આવક 135075 ક્યુસેક નોંધાઈ છે, જ્યારે નદીમાં પાણીની જાવક 3,49,210 ક્યુસેક સુધી પહોંચી ગઈ છે. કેનાલમાં 2,814 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો
ગઇકાલે 28 જુલાઈ 2025ના રોજ ડેમમાં પાણીની સપાટી 125.47 મીટર હતી. ગઇકાલે પાણી સ્ટોરેજની ટકાવારી 62.46% ટકા હતી. જેમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીના સંગ્રહમાં 2.80 ટકા જેટલો વધારો થયો છે. સતત વરસાદ અને ઉપરવાસમાં થયેલ ભારે વરસાદી પરિસ્થિતિના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.
આ પણ વાંચો
પાણીના વધતા સ્તરથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે. તેમજ પીવાનું પાણી પૂરું પાડવામાં પણ સરળતા થશે. સરદાર સરોવર ડેમ રાજ્ય માટે જીવનદાયી ગણાય છે. વરસાદી માહોલને કારણે આવતા દિવસોમાં પાણીના સ્તરમાં વધુ વધારો થવાની સંભાવના છે. નર્મદા ડેમની હાલની પરિસ્થિતિને લઈ તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
રાજ્યના અન્ય ઝોનની સ્થિતિ
29-07-2025 સુધીના આંકડા મુજબ, ગુજરાતના વિવિધ ઝોનમાં ડેમની સ્થિતિ આ પ્રમાણે છે. ઉત્તર ગુજરાતની 15 યોજનાઓમાં 60.87 ટકા જળસંગ્રહ છે. મધ્ય ગુજરાતની 17 યોજનાઓમાં 72.47 ટકા જળસંગ્રહ છે, જેમાં 3 ડેમ સંપૂર્ણપણે ભરાયેલા છે. દક્ષિણ ગુજરાતની 13 યોજનાઓમાં 62.80 ટકા જળસંગ્રહ છે, જેમાં 5 ડેમ સંપૂર્ણપણે ભરાયેલા છે. કચ્છની 20 યોજનાઓમાં 55.60 ટકા જળસંગ્રહ છે, જેમાં 5 ડેમ સંપૂર્ણપણે ભરાયેલા છે. સૌરાષ્ટ્રની 141 યોજનાઓમાં 66.03 ટકા જળસંગ્રહ છે, જેમાં 17 ડેમ સંપૂર્ણપણે ભરાયેલા છે.