Kheda Rain: ખેડા જિલ્લામાં શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે થયેલા અતિ ભારે વરસાદે સમગ્ર જિલ્લામાં ભારે હાલાકી સર્જી હતી. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, સોમવારે વરસાદનું જોર ઘટતાં અને હળવા વરસાદના કારણે ભરાયેલા પાણી હવે ઓસરી રહ્યા છે, અને ધીમે ધીમે જિલ્લાનું જનજીવન સામાન્ય બની રહ્યું છે.
નડિયાદમાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ
નડિયાદ શહેરમાં રવિવારે 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના પરિણામે રવિવારે શહેરમાં સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. સદનસીબે, સોમવારે મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી જતાં રાહત થઈ હતી. શહેરને પશ્ચિમ તરફ જોડતા મુખ્ય અન્ડરપાસ પૈકી ખોડિયાર અને શ્રેયસ અન્ડરપાસમાંથી પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત બન્યો હતો. જોકે, માઈ માતા ગરનાળામાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી 150થી વધુ સોસાયટીઓના રહીશોને 1 કિલોમીટરનો વધારાનો ફેરો ફરીને જવાની ફરજ પડતાં તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ ઉપરાંત, શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ હજુ પાણી ઓસર્યા નથી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ પાણી ભરાયેલા રહેતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. મહેમદાવાદ તાલુકાના સૂંઢા અને વણસોલ સૂંઢા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
10 તાલુકાઓમાં કાચા મકાનો ધરાશાયી
ભારે વરસાદને કારણે જિલ્લાના 10 તાલુકાઓમાં કાચા મકાનો ધરાશાયી થયા છે. જેમાં મહુધામાં 3, ખેડામાં 1, માતરમાં 1, મહેમદાવાદમાં 6, કપડવંજમાં 2, ઠાસરામાં 4 અને ગળતેશ્વર તાલુકામાં 1 મકાનનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, વરસાદના કારણે જિલ્લામાં 2 લોકોને ઈજા પહોંચી હતી અને કપડવંજ તાલુકામાં બે પશુઓના મોત થયા હતા. અવિરત વરસાદને કારણે જિલ્લામાં સાત વૃક્ષો ધરાશાયી થતાં અનેક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો. નડિયાદ સલુણ પોલીસ ચોકી પાસે પણ વૃક્ષ ધરાશાયી થતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ખેડા જિલ્લામાં શનિ અને રવિવારે 20 માર્ગ કર્યા બંધ
જિલ્લામાં શનિવાર અને રવિવારે થયેલા ભારે વરસાદને પગલે રવિવારે 20 માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. જે પૈકી સોમવારે બે માર્ગો ખુલ્લા કરી દેવાયા હતા. પરંતુ, હાલ જિલ્લામાં 3 સ્ટેટ હાઈવે અને 15 પંચાયત માર્ગો હજુ પણ બંધ છે, જેના કારણે વાહનચાલકોને ભારે અગવડ પડી રહી છે અને તેમને લાંબા ફેરા ફરવાની ફરજ પડી રહી છે.
ભારે વરસાદને લીધે 150થી વધુ લોકોનું સ્થળાંતર
નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ન્યુ ગાજીપુર વિસ્તારમાં પાણી ન ઓસરતા 150થી વધુ લોકોનું APMC ખાતે કલેક્ટર દ્વારા સ્થળાંતર કરાયું છે. જ્યારે મહુધામાં 25 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મહેમદાવાદના ગામડાઓમાં પણ અનેક લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.