Nal Se Jal scam: મહીસાગરના સૌથી મોટા રૂપિયા 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચે બે કર્મચારીઓ બાદ અન્ય બે કોન્ટ્રાકટ૨ની ધરપકડ કરતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફ્લાયો છે. ધરપકડ કરાયેલા કોન્ટ્રાક્ટરોમાં એક ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલનો પણ સમાવેશ થાય છે.
CID બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ
મહીસાગર જિલ્લાના સૌથી મોટા કૌભાંડ નલ સે જલ યોજનામાં બે મહિના પહેલા CID બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ બે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન જિલ્લાના બે કોન્ટ્રાકટરના નામ સામે આવ્યા હતા જેમાં સોમવારે બે કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને કોન્ટ્રાક્ટરો પૈકી એક ભાજપ જિલ્લા યુવા મોરચા લુણાવાડા તાલુકા પ્રમુખ તેમજ ચમારીયા ગામના સરપંચના પુત્ર ચિરાગ પટેલ હોવાની માહિતી મળી હતી. જ્યારે બીજો કોન્ટ્રાક્ટર કે.ડી.વણકર લુણાવાડાના થાણા સાવલી ગામનો સરપંચ અને કોન્ટ્રાકટર છે.
આર્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે કોન્ટ્રાક્ટના કામો કરતા ચિરાગ પટેલ સામે રૂપિયા 8,81,79,673 જ્યારે કે.ડી.વણકર સામે રૂપિયા 4,25,26,462ની નોટિસ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. લુણાવાડાના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલા દ્વારા તારીખ 22 જૂને નોંધાવવામાં આવેલી ફરિયાદમાં તત્કાલીન વાસ્મો કચેરી, લુણાવાડાના 12 કર્મચારીઓના નામ સામેલ હતા.