Junagadh Rains: હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી અનરુપ આજે સવારથી જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જિલ્લાના મેંદરડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. બે કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસતા આભ ફાટ્યા જેવી સ્થિતિ ઉદ્ભવી છે. જેના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વંથલીમાં 5.3 ઇંચ અને કેશોદમાં 4.8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે.
મેંદરડા તાલુકામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં મેંદરડા તાલુકામાં ધોધમાર 9.84 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. મધુવંતી નદીમાં ભારે પૂર આવતા નદીના 5 કોઝવે પર પાણી ફરી વળ્યાં છે, જેના કારણે આ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. દાત્રાણા અને બગડુંને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ હોવાથી બંધ કરવામાં આવ્યો છે અને ત્યાં પોલીસ ખડેપગે હાજર છે. જો કે, મેંદરડા-જૂનાગઢ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે.

મેંદરડામાં સ્મશાનની દિવાલ ભારે વરસાદના કારણે ધરાશાયી
વરસાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા 35-40 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. મેંદરડા ગામમાં આવેલ સ્મશાનની દિવાલ ભારે વરસાદના કારણે ધરાશાયી થઈ છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તાલુકા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો
શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમમાં હાલ ઓવરફ્લો
વંથલી તાલુકાના શાપુર ગામ પાસે આવેલ ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમમાં હાલ ઓવરફ્લો 1.70 મીટર છે. જેના પગલે શાપુર, નાના કાજલીયાળા, કણજા, વંથલી ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.