Gandhinagar: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)એ તાજેતરમાં બે વિદ્વતાપૂર્ણ ચેરની સ્થાપના કરી છે જે નવીનતા અને ઉદ્યોગસાહસિકતા તથા જનસંખ્યા ગતિવિજ્ઞાનના ક્ષેત્રમાં આંતરશાખાકીય સંશોધનને પ્રોત્સાહન આપશે. આ ચેર વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કેમ્પસમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિને આગળ વધારવામાં મદદ કરશે અને વિદ્યાર્થીઓને શીખવાની, નેટવર્કિંગ, અને વ્યાવસાયિક વિકાસની તકો ઊભી કરીને વૈશ્વિક અર્થતંત્રમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યો અને અનુભવથી સમૃદ્ધ કરશે.
ચેર માટેના તેમના વિઝનને શેર કરતા, અનુરાધાબેન અને બી.વી. જગદીશે કહ્યું, “બાળકોને મૂળભૂત શિક્ષણ અને વ્યાવસાયિક ડિગ્રી મેળવવામાં મદદ કરવી જેટલી મહત્વપૂર્ણ છે, તેટલું જ મહત્વપૂર્ણ છે કે રોજગારી ઉત્પન્ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ અને યુવા દિમાગને મદદ કરવી, કારણ કે ઉદ્યોગસાહસિકતા ઘણા પડકારોને દૂર કરવા અને લોકોને ગરીબીના ચક્રમાંથી બહાર કાઢવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અમે આ કાર્ય માટે IITGN પસંદ કર્યું કારણ કે સંસ્થા સર્વસમાવેશક મૂલ્યો અને સંસ્કૃતિને પોષે છે અને તેને તેના કેમ્પસ અને વિદ્યાર્થીઓની બહાર પણ વિસ્તારે છે. ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને વિકસાવવા અને દેશમાં વધુ લીડર્સ બનાવવા માટેના આ મહત્વપૂર્ણ પ્રયાસને આગળ ધપાવવા માટે અમે IIT ગાંધીનગરની સક્ષમ નેતૃત્વ ટીમ સાથે ભાગીદારી કરીને ઉત્સાહિત છીએ. જો અમે આ ચળવળમાંથી થોડાક ઉદ્યોગ સાહસિકો પણ બનાવી શકીશું તો પણ તે મોટો પ્રભાવ સાબિત થશે.”
એક મહત્વપૂર્ણ સંશોધન ક્ષેત્રને સામે લાવવા અને તેને સપોર્ટ આપવા માટે, મિલવૌકી, વિસ્કોન્સિન સ્થિત IT ઉદ્યોગના પીઢ અને પરોપકારી ડૉ. દર્શન પંડ્યાએ, તેમની પત્ની અને નવજાત ચિકિત્સાના નિષ્ણાત ડૉ. ચંદ્રા શિવપુરી સાથે, IITGN ખાતે “પંડ્યા-શિવપુરી ચેર ઇન પોપ્યુલેશન ડાયનેમિક્સ” ની સ્થાપના કરવા માટે ઉદાર સહાયતા પ્રદાન કરી છે. એક ક્ષેત્ર તરીકે જનસંખ્યા ગતિવિજ્ઞાન એ પરિબળોને સમજવાનો પ્રયાસ કરે છે જે વસ્તીના કદ, રચના અને વિતરણમાં ફેરફાર કરે છે. જેમ જેમ વિશ્વની વસ્તી સતત વધી રહી છે અને આપણે વધુ ન્યાયી વિશ્વનું નિર્માણ કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે ખાદ્ય સુરક્ષા, રોગ નિયંત્રણ અને ટકાઉ વિકાસ જેવા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે આ ડાયનેમિક્સને સમજવા વધુને વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

આ માટે રોગશાસ્ત્ર, એન્જિનિયરિંગ, ભૌતિકશાસ્ત્ર, પૃથ્વી અને પર્યાવરણીય વિજ્ઞાન, ઇકોલોજી, ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન, ગણિત, અને કંપ્યુટેશન સહિતના વિવિધ પ્રવાહોના વ્યક્તિઓ વચ્ચે સહભાગિતા અને સહયોગની જરૂર છે. આ ફેકલ્ટી ચેર વિવિધ સહયોગી અને વિદ્વતાપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જનસંખ્યા ગતિવિજ્ઞાનના ક્ષેત્રમાં આંતરશાખાકીય સંશોધનમાં શ્રેષ્ઠતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત રહેશે.
જનસંખ્યા ગતિવિજ્ઞાનના ક્ષેત્રમાં આંતરશાખાકીય કાર્યને ટેકો આપવા પાછળની તેમની પ્રેરણાને શેર કરતાં, ડૉ. દર્શન પંડ્યાએ કહ્યું, “હું પાંચ દેશોમાં રહ્યો છું અને 45 દેશોની મુલાકાત લીધી છે. ઘણા બધા દેશોને જોયા અને અનુભવવાથી જીવન, વિશ્વ આજે જે મુખ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે, અને તેના વિશે શું કરવાની જરૂર છે તેના વિશેના મારા વિચારોને પ્રભાવિત થયા છે. ભારતમાં મૂળ હોવાને કારણે, મને લાગે છે કે ભારતની પરંપરાગત જ્ઞાનમાં આજે આપણે વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે જે સમસ્યાઓનો સામનો કરીએ છીએ, તે ઉકેલવા માટે ઘણું છે. પરંતુ સાથે જ, હું એક એન્જિનિયર અને વૈજ્ઞાનિક છું, હું આબોહવા પરિવર્તન, પ્રદૂષણ, વસ્તી વગેરે જેવી સમસ્યાઓના તાર્કિક ઉકેલો શોધવા માટે પ્રશિક્ષિત છું.
આબોહવા પરિવર્તન અને પ્રદૂષણ એ માથાદીઠ પ્રદૂષણની પેદાશો છે જે કુલ વસ્તીથી ગુણાકાર થાય છે. તેથી, ટકાઉ સહવાસ હાંસલ કરવા અને આપણી ક્રિયાઓને કારણે ઘણી પ્રજાતિઓને લુપ્ત થવાથી બચાવવા માટે આપણે આબોહવા પરિવર્તન અને પ્રદૂષણને ઝડપથી રિવર્સ કરવા માટે પ્રાદેશિક, રાષ્ટ્રીય, અને વૈશ્વિક વસ્તીમાં સંતુલન હાંસલ કરવાની જરૂર છે. પરંતુ આ વસ્તી સંતુલનની ગણતરી કરવા માટે, રોજિંદા જીવનમાં ટેકનોલોજી અને નવીનીકરણીય/બિન-નવીનીકરણીય ઉર્જા સંસાધનોનો ઉપયોગ; પ્રાદેશિક, ભૌગોલિક, અને આબોહવા પરિવર્તન; જીવનશૈલી; ખોરાકની આદતો, અને તેના જેવા પ્રશ્નોના જવાબોની જરૂર છે. અને ગુજરાત સાથેના મારા જોડાણ સાથે, વિવિધ સંશોધન પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રશ્નોના જવાબો શોધવા માટે IIT ગાંધીનગરમાં પોપ્યુલેશન ડાયનેમિક્સમાં ચેર ઑફર કરવામાં આવે તેનાથી વધુ સારો રસ્તો કયો હોઈ શકે. મને કોઈ શંકા નથી કે તે આ વિષય પર સરકારો, વૈશ્વિક સંસ્થાઓ, અને વિદ્વાનો માટે માર્ગદર્શનનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની રહેશે.”
સંસ્થામાં આ બે નોંધપાત્ર ચેરની સ્થાપના પર ખુશી વ્યક્ત કરતા, પ્રોફેસર રજત મૂના, ડાયરેક્ટર, IITGNએ જણાવ્યું કે, “આ સમયા દેશમાં થઈ રહેલા તકનીકી પરિવર્તનને જોવા અને તેનો ભાગ બનવા, અને સાથે સાથે, આપની પૃથ્વી માટે યોગ્ય અને ટકાઉ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપવાનો આ સૌથી યોગ્ય સમય છે. IITs લોકોના જીવનમાં ઘણા નવા વિચારો, ટેક્નોલોજી, આંતરદૃષ્ટિ લાવતી રહી છે. અમે અનુરાધા, બી.વી. જગદીશ, ડૉ. દર્શન પંડ્યા, અને ડૉ. ચંદ્રા શિવપુરીના આભારી છીએ કે તેઓએ ઉદ્યોગસાહસિકતા, નવીનતા, અને જનસંખ્યા ગતિવિજ્ઞાનના ક્ષેત્રોમાં લાંબા ગાળાની અસર કરવાની દિશામાં યાત્રાને આગળ વધારવા માટે IITGNને પસંદ કરી અને અમારા પર વિશ્વાસ કર્યો. કર્યું. મને ખાતરી છે કે તે આપણા દેશના ઘણા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહત્વાકાંક્ષી પ્રતિભાઓને લાભ કરશે અને તેના દ્વારા પ્રદાન કરનારા સંસાધનો અને તકો દ્વારા મોટો પ્રભાવ પાડશે. આપણે આવનારા સમયમાં આ સુવિચારિત પ્રયત્નોના ફળ જોઈ શકીશું.”