Gandhinagar News: ભારતે તાજેતરના વર્ષોમાં ‘ફાયર પ્રોટેક્શન’ના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ખાસ કરીને નેશનલ બિલ્ડીંગ કોડમાં તાજેતરના સુધારા સાથે, પરંતુ હજુ પણ ચોક્કસ ક્ષેત્રો, ખાસ કરીને ‘પેસિવ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ’ પર વધુ કેન્દ્રિત સંશોધનની જરૂર છે. પેસિવ અગ્નિ સુરક્ષા પ્રણાલી એ ઇમારત અથવા માળખાના ઘટકો અથવા સિસ્ટમોનો સમૂહ છે જે આગને રોકવામાં અને તેને વધુ ફેલાતા અટકાવવામાં મદદ કરે છે.
આ દિશામાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)એ ‘પેસિવ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ’ માટે પરીક્ષણ સુવિધાઓ વધારવા માટે HILTI ઈન્ડિયા સાથે જોડાણ કરવાની પહેલ કરી છે. IITGN ખાતે આવી સુવિધા સંશોધકોને ભારતીય ઓપરેટિંગ પરિસ્થિતિઓ હેઠળ વિવિધ ડિઝાઇન પાસાઓ, સામગ્રી, અને અન્ય સંબંધિત પરિબળોનો નજીકથી અભ્યાસ કરવા સક્ષમ બનાવશે અને ચોક્કસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઉત્પાદનોના પરીક્ષણને સંભવ બનાવશે.
નવા સહયોગ પર બોલતા, સેન્ટર ફોર સેફ્ટી એન્જિનિયરિંગ, IITGNના સંયોજક ડૉ ગૌરવ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “બિલ્ટ એન્વાયર્નમેન્ટમાં સમાવિષ્ટ ફાયર લોડનો દર તાજેતરના વર્ષોમાં ખૂબ જ વધી ગયો છે, અને તેથી તાત્કાલિક જરૂરિયાત છે કે દેશમાં આગને તેના સ્ત્રોત પર રોકવા માટે પેસિવ અગ્નિ સુરક્ષા પગલાંની સમજ વધારવામાં આવે. આ શૈક્ષણિક-ઉદ્યોગિક સહયોગ બિલ્ટ પર્યાવરણમાં પેસિવ અગ્નિ સુરક્ષાના મહત્વની સમજ વધારવામાં મદદ કરશે.”
હિલ્ટી (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર શ્રી જયંત કુમારે જણાવ્યું કે, “પેસિવ અગ્નિ સંરક્ષણ ઉદ્યોગમાં અગ્રણી તરીકે અમને IIT ગાંધીનગર સાથેના આ સહયોગ પર ગર્વ છે. આ એક અનોખી તક છે કારણ કે તેનો હેતુ માત્ર અત્યાધુનિક ફાયર પ્રોટેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જીવન બચાવવા અને સંપત્તિનું રક્ષણ કરવાનો નથી, પરંતુ બાંધકામ ઉદ્યોગમાં વિવિધ મહત્વના હિસ્સેદારો વચ્ચે પેસિવ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સની સમજ વધારવાનો પણ છે.”