Gandhinagar News: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર પહોંચ્યા છે. તેઓ વિસાવદર વિધાનસભા મતવિસ્તારના વિવિધ મહત્વના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરશે. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પોતાના મતવિસ્તારના પ્રશ્નો રજૂ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિસાવદર અને ગુજરાતના લોકો માટે અગત્યના પાંચ મુદ્દાઓ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરશે.
ગોપાલ ઇટાલિયા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ થનારા મુદ્દાઓમાં ઇકો-ઝોનને લગતા પ્રશ્નો, પાક વીમાને લગતા પ્રશ્નો અને ટાઉન પ્લાનિંગને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સોલાર ફાર્મ અને પવનચક્કીઓ પર મિલકત વેરો તેમજ માલધારીઓને વાડા ફાળવવા બાબતના પ્રશ્નો પણ રજૂ કરવામાં આવશે. આ તમામ મુદ્દાઓ વિસાવદર વિસ્તારના વિકાસ અને લોકોની સુખાકારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છેકે, ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા તેમના મત વિસ્તારમાં સતત કાર્યરત જોવા મળી રહ્યાં છે. અનાજ કૌભાંડથી લઇને વિવિધ મામલે તેઓ સંબંધિત તંત્રના અધિકારીઓને મળી રહ્યાં છે. તેઓ સ્થાનિકોને મળીને તેમના પ્રશ્નો અને તેમની રજૂઆતો જાણતા પણ જોવા મળ્યા છે. ત્યારે આજે તેઓ મુખ્યમંત્રી સાથેની પ્રથમ મુલાકાત દરમિયાન તેઓ શું રજુઆત કરશે એ બાબતે જનતામાં ખુબ જ જિજ્ઞાસા જોવા મળી રહી છે.