Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર એલર્ટ

ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરાઈ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 19 Aug 2025 08:09 PM (IST)Updated: Tue 19 Aug 2025 08:09 PM (IST)
gandhinagar-news-south-gujarat-and-saurashtra-9-districts-heavy-rain-alert-for-next-2-days-588354
HIGHLIGHTS
  • SEOC ખાતે રાહત નિયામકની અધ્યક્ષતામાં વેધર વૉચ ગ્રુપની બેઠક મળી
  • 25 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી

Gandhinagar | Gujarat Rain Alert: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા. 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ બેઠકમાં NDRF અને SDRF અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી હતી.

સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઇએલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 21 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં રાહત નિયામક દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સેન્ટ્રલ વોટર કમિશન, ISRO, GSRTC, કૃષિ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, એનર્જી, ઈન્ડિયન આર્મી, પંચાયત, શહેરી વિકાસ અને પશુ પાલન વિભાગના નોડલ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.