GPSC New Chairman: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે IPS હસમુખ પટેલની વરણી, ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી

દિનેશ દાસાની નિવૃત્તિ બાદ GPSCના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપાઈ હતી. જેઓ પણ આ માસના અંતમાં નિવૃત્ત થવાના છે, ત્યારે સરકારે હવે હસમુખ પટેલને ચેરમેન તરીકે વરણી કરી છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Mon 28 Oct 2024 06:44 PM (IST)Updated: Mon 28 Oct 2024 06:44 PM (IST)
appointment-of-ips-hasmukh-patel-as-the-chairman-of-gujarat-public-service-commission-gujarat-government-has-entrusted-a-big-responsibility-420623
HIGHLIGHTS
  • 2018થી તેઓ હાલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
  • હાલ હસમુખ પટેલ લોકરક્ષક ભરતી બોર્ડના ચેયરમેન પણ છે.

GPSC New Chairman: આઈપીએસ કેડરના વરિષ્ઠ અધિકારી હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે IPS હસમુખ પટેલને ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં છે. દિનેશ દાસાની નિવૃત્તિ બાદ GPSCના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી હતી. જેઓ પણ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના છે, ત્યારે સરકારે હવે લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલને ચેરમેન તરીકે વરણી કરી છે.GPSCના ચેયરમેન તરીકે વરણી થતા હસમુખ પટેલે IPS અધિકારી તરીકેની જવાબદારીમાંથી મુક્ત થવું પડશે અને ટૂંક સમયમાં રાજીનામું આપશે.

કોણ છે હસમુખ પટેલ?
બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની અને વરિષ્ઠ IPS અધિકારી હસમુખ પટેલને ઓગસ્ટ 2023માં ગુજરાત સરકાર દ્વારા નવરચિત પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ બોર્ડે PSI અને LRDની મહત્વપૂર્ણ ભરતી પરીક્ષાઓનું સફળ આયોજન કર્યું છે.હસમુખ પટેલે તેમની કારકિર્દી દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. તેઓ પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ અને ભાવનગર રેલવેમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન અને સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.

2018થી તેઓ હાલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં યુએન પીસ કીપિંગ ફોર્સ કોસોવોમાં સ્પેશ્યલ ડેપ્યુટેશન પર સેવા આપવાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલ હસમુખ પટેલ લોકરક્ષક ભરતી બોર્ડના ચેયરમેન પણ છે, જે સમગ્ર રાજ્યમાં લોકરક્ષકની ભરતી પ્રક્રિયામાં માર્ગદર્શન આપે છે.