Krishna Janmashtami 2025 Dwarkadhish Temple: આજે સમગ્ર દેશ અને દુનિયામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના પર્વ જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે દ્વારકામાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દ્વારકાધીશજીના દર્શને ઠેકઠેકાણેથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે અમે તમને આજે દ્વારકાધીશજીની પૂજા, વિશેષ ભોગ અને દર્શન સહિતનો સમય અને સમગ્ર દિવસના ક્રમ વિશે જણાવીએ. મહત્ત્વનું છે કે, દ્વારકાધીશ મંદિરના વારાદર પૂજારી ચૈતન્યભાઈ પૂજારીએ આ માહિતી આપી છે.

જન્માષ્ટમીના દિવસે ભગવાનના ખુલ્લે પડદે સ્નાનનું વિશેષ મહત્વ
દ્વારકાધીશજી મંદિરના પૂજારી ચૈતન્યભાઈ ઠાકરે જણાવ્યું કે, આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે અને આ વર્ષે ભગવાન દ્વારકાધીશનો 5252મો જન્મદિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે. દ્વારકાધામ, જે ચારધામ પૈકીનું મુખ્ય ધામ અને સાત પુરી પૈકીની મુખ્ય પુરી છે, ત્યાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે ભગવાનના ખુલ્લે પડદે સ્નાનનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે વર્ષમાં બે વખત જ ભક્તજનો આ દર્શનનો લાભ લઈ શકે છે, જેમાં જન્માષ્ટમી મુખ્ય છે.
દ્વારકાધીશજી મંદિરના પૂજારી ચૈતન્યભાઈ ઠાકરે જણાવ્યું કે, જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે મંગળા દર્શનથી ઉજવણીની શરૂઆત થાય છે, જેમાં ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી કરવામાં આવે છે. ત્યારબાદ 8 વાગ્યે ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવે છે, જેમાં અગિયાર પ્રકારની ઔષધિઓ અને ભારતવર્ષની તમામ નદીઓ તથા સમુદ્રના જળનો ઉપયોગ થાય છે. અભિષેક પૂજન પછી ભગવાનને વિવિધ પ્રકારના વસ્ત્રો અને સુવર્ણ, મોતી, હીરાજડીત માળાઓથી શણગારવામાં આવે છે. દિવસભર ઠાકોરજીને સ્નાન ભોગ, શૃંગાર ભોગ, મધ્યાન ભોગ અને રાજભોગ જેવા વિવિધ ભોગ અર્પણ કરવામાં આવે છે અને આરતીઓ કરવામાં આવે છે. રાત્રે 12 વાગ્યે ભગવાન દ્વારકાધીશનો જયઘોષ સાથે જન્મોત્સવ અને મહાઆરતી કરવામાં આવે છે, જેના દર્શન પ્રજાજનો માટે ખુલ્લા મુકાય છે.
દ્વારકાધીશજી મંદિરના પૂજારી ચૈતન્યભાઈ ઠાકરે જણાવ્યું કે, નોમના દિવસે સવારના 7 વાગ્યે શૃંગાર આરતી થાય છે અને 10 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહે છે. આ દિવસે ઉત્સવ મૂર્તિ, જેને ગોપાલજી તરીકે ઓળખવામાં આવે છે, તેમને સુવર્ણના પારણામાં ઝુલાવીને ઝાંખી કરાવવામાં આવે છે. આ તમામ દર્શન અને પરંપરાગત વ્યવસ્થા દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા ગોઠવવામાં આવે છે. આ વખતે સુરેન્દ્રભાઈ રમણીકલાલ પુજારી, ચૈતન્ય રમણીકલાલ પુજારી, દીપકભાઈ રમણીકલાલ પુજારી, જીતેશભાઈ રમણીકલાલ પુજારી અને વિજયભાઈ રમણીકલાલ પુજારી પરિવાર દ્વારા સેવા પૂજા કરવામાં આવશે.