Janmashtami 2025: જન્માષ્ટમી પર્વની પાવન સંધ્યાએ દ્વારકા ખાતે ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય દ્વારકા ઉત્સવ-2025 રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ અને ભાવિકો દ્વારકા ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ પર દર્શન કરવા ઉમટ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 'વિકાસ ભી વિરાસત ભી' ની ભાવનાને કેન્દ્રમાં રાખીને વિવિધ ઉત્સવો અને મેળાઓની ઉજવણી દ્વારા પ્રવાસનને બળ આપ્યું છે તેમજ આપણા સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાનું જતન કર્યું છે. દ્વારકામાં મંદિરો અને પ્રવાસન સ્થળોને જોડીને ટુરિઝમ સર્કિટ બને અને પ્રવાસીઓની સંખ્યા વધે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. ઉપરાંત જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે દર્શનાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર કરેલ વ્યવસ્થાને બિરદાવી હતી તેમજ સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી.

ધારાસભ્ય પબુભા માણેકે કહ્યું હતું કે, ઉત્સવો અને પરંપરા એ આપણી સંસ્કૃતિની ઓળખ છે. તેમજ દેવભૂમિ દ્વારકાનો આધ્યાત્મિક મહિમા વર્ણવ્યો હતો અને સૌને સામાજિક ઉત્કર્ષ માટેના સેવા કાર્યો કરવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ભગવાનને અર્પિત ફુલ અને તુલસીમાંથી નિર્મિત અગરબત્તી, સિનિયર સિટીઝન માટે ઈ-રીક્ષાઓ, દેવસ્થાન ઓફિસ પાસે તૈયાર થયેલ બેબી ફીડિંગ રૂમ વગેરેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

હાથી ગેટની પાસે નગરપાલિકા પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ઉત્સવમાં લોક સાહિત્યકાર સુખદેવ ગઢવી અને ટીમ દ્વારા પારંપારિક લોકગીતો સાથે ડાયરો રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ શ્રી માલદે આહિર દ્વારા સિનેમેટિક મેગા નાટક "રાજ રાજેશ્વર શ્રીકૃષ્ણ"ની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કલેકટર રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી અમોલ આવતે, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારી ગિલ, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, અગ્રણી લુણાભા સુમણીયા, એભાભાઈ કરમૂર, રમેશભાઈ હેરમા, વિજયભાઈ બુજડ, જે.કે.હાથિયા સહિત સ્થાનિક આગેવાનો, નગરજનો તેમજ બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.