Dwarkadhish Temple: આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની દેશ-દુનિયામાં ઉજવણી થઈ રહી છે. ત્યારે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકા ખાતેના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરે ભક્તો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 'ઘર મંદિર' નામની એક એપ્લિકેશન દ્વારા કરવામાં આવી રહેલો દાવો પાયાવિહોણો છે, જેમાં જન્માષ્ટમીનો પ્રસાદ ઘરે બેઠા પહોંચાડવાની વાત કરવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે આ એપ્લિકેશન સાથે મંદિરને કોઈ સંબંધ નથી. તેમણે ભક્તોને આ પ્રકારના ઓનલાઈન દાવાથી સાવધાન રહેવા અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે સાયબર ગઠિયાઓ આ તહેવારના માહોલનો ફાયદો ઉઠાવીને ભક્તોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે વધુ માહિતી આપવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારનો પ્રસાદ ઓનલાઈન મોકલતા નથી કે આવી કોઈ સેવા પણ ચલાવતા નથી. તેથી, ભક્તોએ આવી લાલચમાં ફસાઈને કોઈપણ પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ કરવું નહીં.