Dahod News: દાહોદ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક અને હરિયાળી છવાઈ ગઈ છે. વરસાદી માહોલમાં કુદરત પોતાના સૌંદર્યથી લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે.
દાહોદ નજીક આવેલ ચોસાલા ગામમાં સ્થિત કેદારનાથ મંદિર આજકાલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વરસાદના કારણે મંદિર આસપાસનું દૃશ્ય અદ્ભુત લાગી રહ્યું છે. મંદિરની આજુબાજુ લીલીછમ હરિયાળી ફેલાઈ ગઈ છે, જેના કારણે યાત્રાળુઓ અહીં આવતાં કુદરતનો પૂરતો આનંદ માણી રહ્યા છે.

કેદારનાથ મંદિર વિસ્તારમાં આવેલા કુદરતી પથ્થરોમાંથી પડતું ઝરણું વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ અને તેની સાથેનો ઝરણાનો મધુર અવાજ, મુલાકાતીઓને શાંતિ અને તાજગીનો અનુભવ કરાવી રહ્યો છે. કુદરતી પથ્થરો પર વહેતા પાણીના ઝરણાં દૃશ્ય મનોહર લાગે છે અને અહીં આવનારા દરેકની આંખોને ઠંડક આપે છે.

શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાથી ભક્તો ભોલેનાથના દર્શન માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. લોકો ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી રહ્યા છે અને સાથે કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં મંદિરનો નજારો અનોખો લાગી રહ્યો છે.

ચોસાલા ગામનું કેદારનાથ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ કુદરતપ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં આવનારા દરેક વ્યક્તિને એક અનોખો અનુભવ થાય છે. વરસાદી માહોલમાં મંદિરનું સૌંદર્ય અને ઝરણાંનો નજારો મનને મોહી લે છે. અને ભક્તો તથા પ્રવાસીઓ માટે આ સ્થળ યાદગાર બની ગયું છે.