Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભુંડમારિયા ગામમાં વધુ એકવાર રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ઝોળીમાં ઉંચકીને લઇ જવી પડી હતી. જોકે અધવચ્ચે જ પ્રસુતિ થઇ હતી. 108 એમ્બ્યુલન્સ અંદર સુધી આવી શકે તેમ ન હોવાથી મહિલાને બાદમાં સ્ટ્રેચરમાં ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઇ જઇ માતા અને બાળકને હોસ્પિટલ લઇ જવાયા હતા.
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટના ભુંડમારિયા ગામના આમદા ફળિયાની ગર્ભવતી મહિલાને સવારે સાત વાગ્યે પ્રસૂતિનો દુખાવો ઊપડ્યો હતો. જે અંગે 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. જોકે ગામમાં કાચા રસ્તા અને વાહન જઈ શકે તેવી પર્યાપ્ત વ્યવસ્થા ન હોવાથી 108ની એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હતી. જેથી પરિવારે મહિલાને ઝોળી બનાવીને ઉંચકીને રસ્તા સુધી લઈ જવાનો નિર્ણય લીધો હતો.
મહિલાને ઝોળીમાં ઉંચકીને સરિપાપાણી સુધી લઇ જતી વખતે રસ્તા સુધી પહોંચતા પહેલાં જ મહિલાને રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી. જે અંગે 108ની ટીમને જાણ કરવામાં આવતા સરિયાપાણીથી 108ના કર્મચારીઓ સ્ટ્રેચર લઇને આવ્યા હતા. ગ્રામજનોના સહકારથી મહિલાને અડધો કિલોમીટર દૂર 108 સુધી સ્ટ્રેચર પર ઉંચકી લઈ જવાઈ અને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માતા અને નવજાત બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.