સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ તારીખ 05-08-2025ને મંગળવારના રોજ પવિત્રા એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને પવિત્રાના શણગાર કરાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.

મહત્ત્વનું છે કે, મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીહરિ મંદિરમાં વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આજે શ્રાવણ મહિનાના પવિત્ર મંગળવાર અને અગિયારસના નિમિત્તે પવિત્રાના હારના વાઘા પહેરાવ્યા છે. આ ઉપરાંત સિંહાસને 1 હજાર કિલોથી વધારે પવિત્રાના હારનો શણગાર કરાયો છે. આજે સાંજે દાદાનું ષોડશોપચાર પૂજન કરાશે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સવારે અને સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું ભક્તિ-ભાવપૂર્વક શ્રીહરિ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિર તરફથી સંપૂર્ણ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આજે 100 જેટલા ભક્તોના દ્વારા સવારે 9થી 12 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યો હતો. જેથી ભક્તજનો ભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા. ભક્તજનોના શ્રદ્ધા ભાવની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને દિવ્ય અને શાંતિમય બનાવી દીધું હતું.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તારીખ 25-07-2025થી તારીખ 28-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ- ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રીકૃષ્ણ જન્મોત્સવ -દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસ દરમિયાન શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ.શ્રી નારાયણમુની સ્વામી દ્વારા દિવ્ય કથાનું રસપાન કરાવે છે. જેનો સમય દરરોજ સાંજે 4થી 6:30 કલાકનો છે.