Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 22-08-2025ને શુક્રવારના રોજ દિવ્ય વાઘા પહેરાવ્યા છે. તથા શ્રીકષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તથા ફુગ્ગાઓનુ શુશોભન કરાયું હતું.
આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. શ્રીહરિ મંદિરમાં હિંડોળા કરવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યુ કે, આજે શ્રાવણ મહિના નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના સિંહાસને 250 કિલો ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરાથી મંગાવ્યા છે. તો હનુમાનજીને આજે વૃંદાવનમાં એક અઠવાડિયાની મહેનતે સાત કારીગરો દ્વારા બનાવવામાં આવેલા વાઘા પહેરાવ્યા છે. આ વાઘામાં જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સવારે 8 થી 10 વાગ્યા સુધી દાદાનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 કિલો ફુલનો દાદા પર અભિષેક કરવામાં આવશે. તો આજે હનુમાનજીને 251 કિલો અલગ-અલગ વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવશે.