Rajopachar: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તા.03-08-2025ને રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી.
સાંજે 05:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી સાંજે 7 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે.
જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે.