Pran Pratishtha ceremony at Ayodhya Ram Mandir: આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં ગણતરીના કલાકોમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતાં સમગ્ર દેશની 500 વર્ષની આતૂરતાનો અંત આવશે. ત્યારે આખો દેશ રામમય બન્યો છે અને ઠેર-ઠેર મંદિરમાં પણ તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના સંકલ્પથી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી તથા અન્ય સંતો અને સ્વંયસેવકો દ્વારા શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ વાઘા અને સિંહાસનમાં રામ મંદિરની પ્રતિકૃતિનો ભવ્ય શણગાર કરાયો છે.


“દાદાનું મંદિર અને પરિસર 1 હજારથી વધુ ધજાથી શણગારયું”
પાર્ષદ નિલકંઠ ભગતે ગુજરાતી જાગરણને જણાવ્યું કે, “અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવાના અવસરે સમગ્ર દેશમાં રામમય બન્યું છે. આજે જ 6 ફૂટ બાય 10 ફૂટની રામ મંદિરની વૂડન પ્રતિકૃતિ મૂકવામાં પણ આવી છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ તેની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગઈકાલે દાદાનું મંદિર અને પરિસર 1 હજારથી વધુ ધજાથી શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત ભવ્ય રંગોળી અને દીપમાળા પણ કરવામાં આવી છે.”





“5 મુખ્ય સંતો અને 150 જેટલા સ્વંયસેવકોની મહેનત”
પાર્ષદ નિલકંઠ ભગતે વધુમાં જણાવ્યું કે, “આ ઐતિહાસિક પ્રસંગને વધાવવા માટે ડેકોરેશનની તૈયારી છેલ્લાં 10 દિવસથી કરવામાં આવતી હતી. જેમાં 5 મુખ્ય સંતો અને 150 જેટલા સ્વંયસેવકોની મહેનત છે. આ ઉપરાંત 22 તારીખે સવારે 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી અને સાંજે 6.30 વાગ્યાથી 8 વાગ્યા સુધી DJ સંકીર્તનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ભક્તો રામ નામમાં મગ્ન થઈ હનુમાનજીના સાનિધ્યમાં નાચશે. આ સમગ્ર કાર્યક્રમ પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીના સાનિધ્યમાં દિવ્ય અને ભવ્યતાથી સંપ્પન્ન થશે.”
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.