Ahmedabad News: અમદાવાદના સૈજપુર બોઘા રેલવે ફાટક પાસે એક દુઃખદ ઘટના બની છે. વિજય મિલની ચાલીમાં રહેતા રાકેશભાઈ પટણીના 16 વર્ષના પુત્રનું ગઈકાલે બપોરે ટ્રેનની અડફેટે આવી જતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ કરુણ બનાવને પગલે સગીરના પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા સૈજપુર બોઘા રેલવે ફાટક પર બનેલા અકસ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનાને અકસ્માતે મોત તરીકે નોંધી છે અને તે દિશામાં વધુ કાર્યવાહી કરી રહી છે. આ બનાવથી આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ છે, અને સ્થાનિક લોકોમાં રેલવે ટ્રેકની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
મહત્ત્વનું છે કે, અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા રેલવે ટ્રેક પસાર થાય છે, જે શહેરના રહેવાસીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. મણિનગર અને સૈજપુર જેવા પૂર્વ વિસ્તારના રેલવે ફાટક પર અવારનવાર ટ્રેનની ટક્કરથી લોકોના મૃત્યુના બનાવો વધી રહ્યા છે.