Botad News: સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે કેસરની ખેતી તો માત્ર કાશ્મીરમાં જ થાય….પરંતુ આ ખ્યાલને હવે ખોટો પાડ્યો છે આધુનિક પદ્ધતિથી ખેતી કરતા બોટાદના યુવા ખેડૂતો આશિષ બાવળીયા અને સુભાષ કાનેટીયાએ.. જી હા, હવે કાશ્મીરનું કેસર બોટાદમાં પણ ઉગવા લાગ્યું છે.
આ છે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ગુજરાતમાં સૌ પ્રથમ વખત કેસરની ખેતી કરતા ગઢડા તાલુકાના હામાપર ગામના 23 વર્ષીય ખેડૂત આશિષભાઈ. તેમણે તેમના મિત્ર સુભાષભાઈ સાથે મળીને સોનારૂપી કેસર ઉગાડી નવતર પ્રયોગ કર્યો છે. કેસર શીત કટ્ટીબંધમાં થતો પાક હોવાથી તેમણે તેમની વાડીમાં એક કોલ્ડ સ્ટોરેજ તૈયાર કર્યુ છે. કોલ્ડ સ્ટોરેજમાં સાગનું લાકડું, એર કન્ડિશનર, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટેના મશીન લગાવવામાં આવ્યા છે. સાથે જ ભેજ માપવા માટેના મશીન મુકવામાં આવ્યા છે.

આશિષભાઈ અને સુભાષભાઈએ સાથે બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે. પોતાના આ અનુભવ વિશે વાત કરતા આશિષભાઈ કહે છે કે, “અમે કેસરના બલ્બ કાશ્મીરથી મંગાવ્યા હતા. કેસરની ખેતી કરવા માટે કાશ્મીરમાં હોય તેટલી જ ઠંડી અને ભેજનું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. બોટાદમાં કાશ્મીરથી તદ્દન વિપરીત વાતાવરણ છે તેથી તેમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે અમે કોલ્ડ સ્ટોરેજ તૈયાર કર્યું છે અને વાતાવરણ પ્રમાણે તાપમાનમાં કંટ્રોલ કરીએ છીએ. આ પ્રકારની ખેતી વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામમાંથી અમે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત આવો પ્રયત્ન કર્યો છે. જેથી અમારી માટે ખૂબ ખુશીની વાત છે. અમે હામાપર ગામે જમીન ચકાસણી સંશોધન કેન્દ્ર પણ કાર્યરત કર્યું છે. જેમાં ખેડૂતો માટીની ગુણવત્તા મપાવી શકે છે.”

બે વર્ષની મહેનત બાદ આશિષભાઈ અને સુભાષભાઈને કેસરની ખેતીમાં સફળતા મળી છે.પ્રથમ વખત જ્યારે આ બંને યુવા ખેડૂતોએ પ્રયત્ન કર્યો ત્યારે 15 ગ્રામ કેસર પ્રાપ્ત થયું હતું. પરંતુ ધીમેધીમે વધારે સંશોધન કરતા કરતા આ બંને ખેડૂતોએ સાચી પદ્ધતિ શોધી કાઢી છે. આ પદ્ધતિથી કેસરની ખેતી કરવાથી પ્રથમ વર્ષે કેસરનું એકથી દોઢ કિલોગ્રામ સુધી ઉત્પાદન મળી શકે છે. વર્ષમાં બે વખત કેસરના પાકનો ફાલ મેળવી શકાય છે. સામાન્ય રીતે એક સિઝનનો સમયગાળો 90 દિવસનો હોય છે. હાલ જાહેર માર્કેટમાં કેસરનો એક કિલોનો ભાવ 7થી 8 લાખ સુધીનો છે અને આ કેસરની ખેતી 100 ટકા ઓર્ગેનિક કરવામાં આવે છે.

બોટાદમાં કેસરની સફળ ખેતી ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે નવીનતા, ટેક્નોલોજી અને યુવાનોના ઉત્સાહનો સમન્વય કરીને પરંપરાગત પ્રથાઓથી કંઈક અલગ કરી શકાય છે. આ સફળતા કૃષિ માટે વિકાસ અને બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિઓને અનુકૂલિત થવાની સંભાવના દર્શાવે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.