Kutch News: આ વર્ષે ગોકુળ આઠમનો ઉત્સવ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર ઉજવાયો હતો, પરંતુ કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં આ ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો હતો. ગામમાં ચાલી રહેલા માટલી ફોડના કાર્યક્રમ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 12 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર ગામ અને વાગડ પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
ચોબારી ગામમાં માટલી ફોડનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, માટલી બાંધેલા દોરડા પર અચાનક ભારે દબાણ આવતાં વીજળીનો થાંભલો ધડામ કરતો નીચે પડ્યો. આ દુર્ઘટનામાં 12 વર્ષીય જયેશ લાલજી વરચંદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક મોટા ગામની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું. આ ઘટનાનો 10 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ છે.
આ કરુણ ઘટનાથી સમગ્ર ચોબારી ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતક બાળક જયેશ ખેડૂત પરિવારનો હતો, અને તેને 5 બહેનો અને એક ભાઈ હતો. આ અકસ્માતથી આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગામના સરપંચ વેલા જેસા પટેલે જણાવ્યું કે, આ ઘટનાથી આઘાત લાગ્યો છે અને આવું ક્યારેય બન્યું નથી. દુર્ઘટનાના શોકમાં આજે ગામના તમામ ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. મૃતકની અંતિમવિધિ સવારે 10 વાગ્યે કરવામાં આવી છે.