Kutch: કચ્છના રાજવી પૃથ્વીરાજસિંહ જાડેજાને મોટો ફટકો, માતાના મઢના મહંતના પક્ષમાં નખત્રાણા કોર્ટનો ચુકાદો, 2009માં કર્યો હતો કેસ

આ વિવાદની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી, જ્યારે તત્કાલીન કચ્છના મહારાવ ત્રીજા પૃથ્વીરાજસિંહ જાડેજાએ તેમના પ્રતિનિધિ જુવાનસિંહ જાડેજાના હસ્તે પતરીવિધિ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 11 Aug 2025 08:59 AM (IST)Updated: Mon 11 Aug 2025 08:59 AM (IST)
kutch-news-nakhatrana-court-dismisses-rs-20-crore-defamation-suit-by-last-kutch-maharao-prithvirajsinh-jadeja-iii-583068
HIGHLIGHTS
  • મહારાવ પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહંત યોગેન્દ્રસિંહ સહિત અન્ય લોકો સામે 20 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો હતો.
  • કેસ ચાલતા દરમિયાન મહારાવ પૃથ્વીરાજસિંહનું અવસાન થતાં તેમનાં પત્ની પ્રીતિદેવી જાડેજાએ કેસની કાર્યવાહી આગળ ધપાવી હતી.

Kutch News: કચ્છના માતાના મઢ ખાતે આવેલા મા આશાપુરાના મંદિરમાં થતી પતરીવિધિને લઈને એક લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં નખત્રાણા કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ વિવાદની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી, જ્યારે તત્કાલીન કચ્છના મહારાવ ત્રીજા પૃથ્વીરાજસિંહ જાડેજાએ તેમના પ્રતિનિધિ જુવાનસિંહ જાડેજાના હસ્તે પતરીવિધિ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે, મંદિરના મહંત યોગેન્દ્રસિંહ રાજાબાવાએ આ વિધિને અટકાવી દીધી હતી. આ ઘટનાને કારણે રાજવી પરિવારે પોતાની બદનક્ષી થઈ હોવાનું માનીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

આ ઘટના બાદ મહારાવ પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહંત યોગેન્દ્રસિંહ સહિત અન્ય લોકો સામે 20 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો હતો. આ જ રીતે, નલિયાના જુવાનસિંહ જાડેજાએ પણ તેમની આબરૂને નુકસાન પહોંચ્યું હોવાનું જણાવીને 4 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કેસ ચાલતા દરમિયાન મહારાવ પૃથ્વીરાજસિંહનું અવસાન થતાં તેમનાં પત્ની પ્રીતિદેવી જાડેજાએ કેસની કાર્યવાહી આગળ ધપાવી હતી. તેવી જ રીતે, જુવાનસિંહ જાડેજાના અવસાન બાદ તેમના પુત્ર ઇન્દ્રજિત જાડેજા કેસમાં જોડાયા હતા.

લાંબા સમય સુધી ચાલેલા આ કેસમાં આખરે નખત્રાણા કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે મહારાવ પૃથ્વીરાજસિંહ દ્વારા કરવામાં આવેલો 20 કરોડનો બદનક્ષીનો દાવો અને જુવાનસિંહ જાડેજાએ કરેલો 4 કરોડનો માનહાનિનો દાવો બંનેને ફગાવી દીધા છે. આ ચુકાદાને પગલે મંદિરના મહંત યોગેન્દ્રસિંહ રાજાબાવાનો વિજય થયો છે. આ ચુકાદાએ મા આશાપુરાના મંદિરના પરંપરાગત રીત-રિવાજો અને તેના સંચાલન અંગેની મહંતની સત્તાને સમર્થન આપ્યું છે.