Kutch News: રવિવારની રજાના દિવસે કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામમાં એક ખેતરમાં ચારો લેવા ગયેલો આઠ વર્ષનો બાળક રાકેશ મહેશ કોલી રમતાં-રમતાં 400 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો. તેના મિત્રો અને ભાઈઓ સાથે રમતી વખતે, તેણે બોરવેલ પર રાખેલો પથ્થર હટાવી દીધો અને અચાનક અંદર પડી ગયો હતો. સદભાગ્યે, તેણે પલાંઠી વાળી લેતાં તે 150 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગયો. અંદરથી તેણે બૂમો પાડીને તેની માતાને મદદ માટે બોલાવી.
ગ્રામજનો અને ખેડૂતોએ બચાવ કાર્ય હાથ ધર્યું
બાળકની બૂમો સાંભળીને તેની માતાએ બૂમાબૂમ કરી, જેથી આસપાસના ખેડૂતો અને સગાંવહાલાં તરત જ ત્યાં ભેગા થઈ ગયા. કોઈ પણ રાહ જોયા વગર ગ્રામજનો અને ખેડૂતોએ બચાવ કામગીરી શરૂ કરી. તેમણે તાત્કાલિક બે દોરડાં બોરવેલની અંદર નાખ્યા અને બાળકને કમર તથા હાથ-પગમાં દોરડું બાંધી લેવા કહ્યું. રાકેશે તે મુજબ કર્યું અને ખેડૂતોએ તેને ધીમે ધીમે ઉપર ખેંચીને બહાર કાઢ્યો.
બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો
બોરવેલમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા દરમિયાન એક દોરડું છૂટી જતાં બાળક ફરીથી નીચે પડ્યો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું. બચાવ કામગીરી સફળ થયા બાદ, બાળકને તાત્કાલિક સારવાર માટે પાટણની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ ઘટનામાં ગ્રામજનો અને ખેડૂતોની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીથી એક બાળકનો જીવ બચી શક્યો.