Bhuj News: પશ્ચિમ કચ્છના સરહદી દરિયાકાંઠેથી અગાઉ માદક પદાર્થના પેકેટો મળી આવતા હતા, પરંતુ હવે આખેઆખા કન્ટેનરો તણાઈ આવવાની રહસ્યમય ઘટનાથી સ્થાનિક લોકોમાં કુતુહલ અને ચિંતા જોવા મળી રહી છે. અબડાસા વિસ્તારમાં આવેલા સૈયદ સુલેમાન પીર ટાપુ અને શિયાળબારી નજીક પાણીમાં તરતી બે કન્ટેનર ટેન્ક જોવા મળ્યા બાદ હવે સુથરીના દરિયાકિનારે પણ એક ત્રીજું કન્ટેનર દેખાયું છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સક્રિય થઈ છે અને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
જખૌ મરીન પોલીસ દ્વારા સૈયદ સુલેમાન પીર ટાપુ અને શિયાળબારી નજીક પાણીમાં અડધી ડૂબેલી હાલતમાં બે બિનવારસુ કન્ટેનર ટેન્ક ધ્યાને આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી અને આ મામલે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ કન્ટેનર કોને લગતા છે અને તે ક્યાંથી આવ્યા તે જાણવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, હાલ દરિયામાં ભારે ભરતી અને કરંટ હોવાને કારણે આ કન્ટેનરોને બહાર કાઢવાનું કામ મુશ્કેલ બન્યું છે.
આ દરમિયાન સુથરી નજીક વધુ એક કન્ટેનર જોવા મળતા કોઠારા પોલીસે તાત્કાલિક કસ્ટમ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓને જાણ કરી છે. કોઠારા પોલીસ મથકના ઇન્ચાર્જ PI વી. એમ. ઝાલાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે, આ કન્ટેનરો કોઈ ક્રૂડ જહાજમાંથી દરિયામાં પડી ગયા હોય. જોકે, આ બાબતે ચોક્કસ માહિતી કન્ટેનરોને બહાર કાઢ્યા બાદ જ મળી શકશે. હાલ, સુરક્ષા એજન્સીઓ દ્વારા આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.