Gujarat Model Village: ગુજરાત એવું રાજ્ય છે જેની ઓળખ તેના વિકાસની ગતિ અને અન્યોને પ્રેરણા આપતા દૂરંદેશી વિઝનથી થાય છે. આવા સુંદર ગુજરાત રાજ્યના ગામડાઓ પણ આજે વિકાસના પંથે તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભીમાસર સરપંચે પોતાના સકારાત્મક વિચારોથી ગામડામાં પણ શહેરો જેવી સુવિધા વિકસાવીને ગ્રામ વિકાસની નવી પરિભાષા ઘડી છે.
ગામના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહીને પોતાના ગામને "મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ"નું સન્માન અપાવ્યું છે. આ ત્રણેય ગામના સરપંચોને 15મી ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હી ખાતે આયોજિત ઉજવણી સમારોહમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાતના આ ત્રણ સરપંચોમાં એક મહિલા સરપંચ પણ છે, જેમણે નારીશક્તિના દ્રઢ સંકલ્પ અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભીમાસરના મહિલા સરપંચ: ગામના માતા બન્યા
કચ્છના ભીમાસર ગામના મહિલા સરપંચ શ્રીમતી ડાઈબેન હુંબલે પોતાના ગામને માત્ર સ્વચ્છ જ નહીં, પણ સમૃદ્ધ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ આજે ભીમાસર ગામના દરેક ઘરમાં શૌચાલય, વેસ્ટ નિકાલ માટે આખા ગામમાં સીવેજ વ્યવસ્થા, ડોર-ટૂ-ડોર વેસ્ટ કલેક્શન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. પરિણામે, આજે ભીમાસર ગામ સ્વચ્છ ભારત મિશન હેઠળ 'ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ'બન્યું છે. તેમણે ગામમાં ગ્રીન કવર વધારવા "ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ" અમલમાં મૂકીને ગ્રામજનોને પરિવાર દીઠ ૧૦ વૃક્ષોનું વાવેતર કરવાનું પણ આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો
પરંતુ ડાઈબેન આટલામાં ક્યાં અટકવાના હતા? તેમણે ગામની 200 એકર ગૌચર જમીનમાં "વ્રજ ભૂમિ ફાર્મ" બનાવીને તળાવના પાણીના ઉપયોગથી તેમાં ગાયોને ચરવા માટે ઘાસ ઉગાડ્યું છે. આનાથી ગામના પશુઓને ઘાસ તો મળે જ છે, પણ ગામના જ લોકોને રોજગારી પણ મળી રહી છે. આ જમીનમાં ભવિષ્યમાં દબાણ ન થાય તે માટે ફરતી બાજુ 10,000 વૃક્ષોનું વાવેતર કરીને RCCના પિલર પણ ઊભા કરવામાં આવ્યા છે. ભીમાસર ગામમાં આજે જાહેર પુસ્તકાલય, પી.એચ.સી., પોસ્ટ ઓફિસ, બેન્ક, ગૌશાળા તેમજ પ્રાથમિકથી લઈ માધ્યમિક શાળા સુધીની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. ડાઈબેનની દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાના પરિણામે ભીમાસર ગામને અત્યાર સુધીમાં કુલ ૧૩ રાષ્ટ્રીય પુરસ્કારોનું ગૌરવ પ્રાપ્ત થયું છે.