Bhavnagar Rain News: ભાવનગરના સિહોર પંથકમાં રાત્રિ દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. માત્ર બે કલાકમાં સિહોરમાં સવા ઈંચ, મહુવામાં એક ઈંચ અને ઉમરાળામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને પરિણામે સિહોરનું ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે, જેના ધસમસતા પાણીના પ્રવાહને કારણે ભાવનગર-રાજકોટ હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.
હાઈવે પર પાણી ભરાતા સિહોરની ટાણા ચોકડી પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાંજે 7:30 વાગ્યાથી વાહનવ્યવહાર બંધ થઈ જતાં હાઈવેની બંને બાજુએ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે બહારગામથી આવેલા અને હરવા-ફરવા નીકળેલા અનેક લોકો રસ્તા પર અટવાઈ ગયા છે, જેથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ભારે પ્રવાહમાં એક કાર પણ તણાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પાણીનો પ્રવાહ એટલો બધો વધી ગયો છે કે વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ભાવનગર-રાજકોટ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. સ્થાનિક તંત્ર હાલ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે.