Sunsar Waterfall Video: ચોમાસાની ઋતુ દરમિયાન ગુજરાતમાં અનેક ધોધ સક્રિય થઇ જાય છે. વિકેન્ડ દરમિયાન મોટાભાગના ગુજરાતીઓ નજીકમાં આવેલા કુદરતી સૌંદર્યની ઝલક મેળવવા પહોંચી જતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલો સુણસર ધોધ ચોમાસા દરમિયાન સક્રિય થઇ જતો હોય છે. આ સ્થળને ઉત્તર ગુજરાતનું સ્વર્ગ માનવામાં આવે છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ ધોધની મજા માણવા અને નયનરમ્ય નજારો જોવા પહોંચી જતા હોય છે.
અરવલ્લીના ભિલોડા નજીક આવેલો છે આ ધોધ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં સુણસર ગામ આવેલું છે. ત્યાં આવેલી ગીરીમાળાઓમાંથી ચોમાસા દરમિયાન ઝરણું ધોધ સ્વરૂપે વહેતું હોય છે. અંદાજે 500 ફૂટની ઉંચાઈએથી પડતાં આ ધોધને નિહાળવા અને સ્નાન કરવા દૂર-દૂરથી સહેલાણીઓ આવતા હોય છે. અહીં જવા માટે અમદાવાદથી હિંમતનગર થઇને એસટીની બસમાં જઇ શકાય છે અથવા તો ખાનગી વાહન લઇને પણ પહોંચી શકાય છે.
આ ગામ ધાર્મિક અને પૌરાણિક દૃષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. ગીરીમાળાઓમાં રહેલી પથ્થરોની રચના એ પ્રકારની છે કે ચોમાસા દરમિયાન ડૂંગર પરથી વહેતું પાણી નીચે ધોધ સ્વરૂપે આવી પહોંચે છે. આ ધોધ પાસે એક મંદિર આવેલું છે. આદિવાસી સમાજમાં જ્યારે પણ કોઇ સારો પ્રસંગ હોય ત્યારે સમાજના લોકો આ ધોધ પાસે આવેલા મંદિરે પૂજા-અર્ચના કરવા અને આશિર્વાદ લેવા માટે આવે છે.