Anand News: આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકાના લોકો ગંભીરા બ્રિજ તૂટી જવાથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા જિલ્લામાં રોજગારી માટે જતા નોકરીયાતોને રોજ ઉમેટા બ્રિજ મારફતે 45 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડતો હોવાથી સમય તથા પૈસાનો વ્યય વધી રહ્યો છે. અનેક નોકરીયાતોએ મુસાફરીની મુશ્કેલીને કારણે નોકરી છોડી દેવાનો વારો આવ્યો છે.
ચાર દિવસ પહેલાં જ સ્થાનિક લોકોએ વડોદરા તેમજ આણંદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી વૈકલ્પિક માર્ગ બનાવવાની માગણી કરી હતી, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જેના કારણે આંકલાવ, બોરસદ, પાદરા સહિતના ગામોના હજારો લોકો ચોકડી પર ભેગા થઈ મોટી સંખ્યામાં દેખાવો કર્યા હતા. સ્થાનિકોના આંદોલન દરમિયાન લોકોએ સ્પષ્ટ શબ્દોમાં સરકારને ચેતવણી આપી કે જો ગંભીરા પાસે અવરજવર માટે તાત્કાલિક વૈકલ્પિક માર્ગ બનાવવામાં નહીં આવે, તો આંદોલન જિલ્લા કચેરીથી લઈને ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવશે.
લોકોએ જણાવ્યું હતું કે તેઓ રોજગારી અને રોજિંદા જીવનની સમસ્યાઓને કારણે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. બ્રિજ બંધ થવાને કારણે માત્ર મુસાફરી જ નહિ પરંતુ આર્થિક નુકસાન પણ સહન કરવું પડી રહ્યું છે. જેથી કુંભ મેળામાં બનાવેલ હંગામી બ્રિજ જેવો તાત્કાલિક બ્રિજ અહીં પણ બનાવવા માં આવે તેવી અપીલ કરી છે. અને સરકાર તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ સાથે લોકો મોટી સંખ્યામાં એકજુટ થયા છે.