Anand News: આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની આજે સવારે બાકરોલ તળાવ પાસે હત્યા કરવામાં આવી છે. તેઓ પોતાના નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સો સાથે થયેલા ઝઘડા બાદ તેમના પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ ઇકબાલ મલેક પર પેટ અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ DySP સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે.
નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલે જણાવ્યું કે ઇકબાલ મલેકના ભાઈ ઈરફાન મલિકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ ઝડપથી તપાસ કરીને આરોપીઓને પકડવાના પ્રયાસો કરી રહી છે.