Jafrabad Boat Accident: અમરેલીના દરિયાઈ સીમા પર બોટ ડૂબી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાફરાબાદથી 30 નોટિકલ માઈલ દૂર મધ દરિયામાં ભારે પવન અને વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે જાફરાબાદ અને રાજપરાની બે બોટ દરિયામાં ડૂબી હોવાનું જાણવા મળી રહ્યું છે. જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ, ગીર સોમનાથના રાજપરાની મુરલીધર બોટ બંને બોટ પાણીમાં ગરકાવ થઇ છે. આ બંને બોટમાં 14-14 ખલાસીઓ સવાર હતા.
શોધખોળ શરુ કરાઇ
આ બંને બોટમાંથી 11 ખલાસી હાલમાં લાપતા થયા હોવાનું સામે આવ્યું છે. અને બંને બોટના 17 ખલાસીઓને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યુ કરીને બચાવ્યા છે. રાજપરા અને જાફરાબાદની બંને બોટના કુલ 8 ખલાસીઓની દરિયામાં શોધખોળ હાથ ધરાઇ છે. માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને વાતાવરણના કારણે પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી તાત્કાલિક કોસ્ટગાર્ડને પણ આપવામાં આવી છે પરંતુ મધ દરિયામાં ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર આવી શકે તેમ નથી.