અમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થી CBI અધિકારીના પુત્રએ બીજા વિદ્યાર્થીને લાફો ચોડી દીધો, વિદ્યાર્થીને કાઢી મૂકાતા NSUI પ્રમુખની સ્ટાફ સાથે દાદાગીરી

આ વિદ્યાર્થીના પિતા CBI અધિકારી સુનીલ શર્માના કહેવાથી, અમદાવાદના NSUI પ્રમુખ તિલકરામ તિવારી સહિત ચાર લોકો શાળાએ પહોંચ્યા હતા અને દાદાગીરી કરી હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 28 Aug 2025 09:40 AM (IST)Updated: Thu 28 Aug 2025 09:40 AM (IST)
nsui-protests-expulsion-at-asian-global-school-ahmedabad-592960
HIGHLIGHTS
  • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ગંભીર શિસ્તભંગની જાણ તેના માતાપિતાને કરવામાં આવી હતી.
  • આખરે, સ્કૂલે વિદ્યાર્થીના પિતાને ફોન કરીને લિવિંગ સર્ટિફિકેટ લઈ જવા માટે કહ્યું હતું.

Ahmedabad School News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એશિયન ગ્લોબલ સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી, જે સીબીઆઈ અધિકારીનો પુત્ર છે, તેણે પોતાના જ ક્લાસના બીજા વિદ્યાર્થી સાથે ઝઘડો કરીને તેને લાફો માર્યો અને તેનું ગળું દબાવ્યું હતું. ભૂતકાળમાં આવી જ એક ઘટના સેવન્થ ડે સ્કૂલમાં બની હોવાથી, એશિયન ગ્લોબલ સ્કૂલના સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં ભરીને શિસ્તભંગ બદલ તે વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂક્યો હતો. પરંતુ, આ નિર્ણય બાદ મામલો વધુ ગરમાયો હતો, જ્યારે આ વિદ્યાર્થીના પિતા CBI અધિકારી સુનીલ શર્માના કહેવાથી, અમદાવાદના NSUI પ્રમુખ તિલકરામ તિવારી સહિત ચાર લોકો શાળાએ પહોંચ્યા હતા અને દાદાગીરી કરી હતી. આ ઘટના બાદ પોલીસે તિલકરામ તિવારીની ધરપકડ કરી છે.

શાળાના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ગંભીર શિસ્તભંગની જાણ તેના માતાપિતાને કરવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ પગલાં લીધા ન હતા. આખરે, સ્કૂલે વિદ્યાર્થીના પિતાને ફોન કરીને લિવિંગ સર્ટિફિકેટ લઈ જવા માટે કહ્યું હતું. આથી નારાજ થઈને, 26 ઓગસ્ટના રોજ, NSUI અમદાવાદ શહેર પ્રમુખ તિલકરામ તિવારી અન્ય ત્રણ લોકો સાથે વિદ્યાર્થીનો પક્ષ લેવા શાળાએ પહોંચ્યા હતા. તેમણે રિસેપ્શન પર હાજર સ્ટાફ સાથે ઝઘડો કર્યો અને પ્રિન્સિપાલની ઓફિસમાં જબરદસ્તી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, તેમણે શાળાના સ્ટાફ સાથે ઝપાઝપી કરીને તેમને ધમકીઓ આપી હતી.

શાળામાં ચાલી રહેલી દાદાગીરી અને ધમકીની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવતા, તિલકરામ તિવારી અને તેની સાથે આવેલા અન્ય ત્રણ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. શાળાના સ્ટાફ આભાબેનની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તિલકરામ તિવારીની ધરપકડ કરી હતી. પોલીસના કહેવા મુજબ, શાળા સત્તાવાળાઓ દ્વારા CBI અધિકારી સુનીલ શર્માને બે દિવસથી ફોન કરવામાં આવતો હતો, પરંતુ તેમણે વ્યસ્ત હોવાનું કહીને તિલકરામ તિવારીને મોકલ્યો હતો. આ સમગ્ર ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી દાદાગીરી અને તેના રાજકીય જોડાણો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.