Ahmedabad News: બેંગકોકમાં નોકરીના બહાને ગુજરાતી યુવકોને બોલાવીને સાયબર ક્રાઈમ કરાવતી ચાઈનીઝ માફિયા ગેંગના કૃત્યોનો પર્દાફાશ થયો છે. એક પીડિત યુવકે સાયબર સેલ સમક્ષ આપેલા નિવેદન બાદ આ સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો છે. પીડિત યુવક અને તેના મિત્રને બેંગકોકમાં આઈટી કંપનીમાં જોબની લાલચ આપવામાં આવી હતી. ઈન્ટરવ્યુ બાદ તેમને બેંગકોક બોલાવી, ત્યાંથી ટેક્સી, જંગલ અને કેનાલના રસ્તે મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને સાયબર ક્રાઈમ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
યુવકને ત્યાં પહોંચ્યા બાદ કંઇક ખોટું થઈ રહ્યું હોવાનો અહેસાસ થતાં તેણે જોબ કરવાની ના પાડી હતી. જેના પર ગેંગના સભ્યોએ તેને ધમકી આપી હતી કે "તમે મ્યાનમારમાં છો અને તમારે અમે કહીએ તેમ કરવું પડશે નહીં તો જેલમાં જશો." આ દરમિયાન, તેનો મિત્ર બેંગકોકથી ૨૦૦ કિલોમીટર દૂર એક હોટલમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પરંતુ, પીડિત યુવકને બીજા ૧૫ લોકો સાથે મ્યાનમારના કે.કે. પાર્ક વિસ્તારમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેમને સાયબર ક્રાઈમની તાલીમ આપવામાં આવી. જ્યારે યુવકે તાલીમ લેવાની ના પાડી, ત્યારે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો. એક વીડિયો વાયરલ કરવાના ગુનામાં તેને પાંચ દિવસ જેલમાં પણ પૂરી રાખવામાં આવ્યો હતો.
આખરે, ૩૩ દિવસ સુધી ગોંધી રખાયા બાદ યુવકે કોન્ટ્રાક્ટ પર સહી કરી હતી, જેમાં લખ્યું હતું કે જો નોકરી છોડવી હોય તો પૈસા ચૂકવવા પડશે. પીડિતે પોતાના સગાને જાણ કરી અને સાડા ત્રણ લાખ રૂપિયા ચૂકવ્યા બાદ જ તેને પાસપોર્ટ પરત આપીને છોડી મુકવામાં આવ્યો હતો. ત્યાં ફસાયેલા અન્ય ગુજરાતી યુવકોએ પણ જણાવ્યું કે તેઓ પણ આ જ રીતે ફસાયા છે અને ત્યાંથી ભાગવું અત્યંત મુશ્કેલ છે. સાયબર સેલે આ મામલે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ ગેંગના અન્ય સભ્યોને ઝડપી શકાય અને ફસાયેલા અન્ય યુવકોને મુક્ત કરી શકાય.