Ahmedabad School Murder: સેવન્થ ડે સ્કૂલમાં ટોળાએ તોડફોડ કરી પ્રિન્સપાલ-સ્ટાફને માર માર્યો, પોલીસે મામલો થાળે પાડવા લાઠીચાર્જ કર્યો

વિદ્યાર્થીના મોત બાદ આક્રોશમાં આવેલા સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 20 Aug 2025 12:51 PM (IST)Updated: Wed 20 Aug 2025 12:51 PM (IST)
mob-vandalizes-seventh-day-school-in-khokhra-ahmedabad-principal-and-staff-assaulted-heavy-police-deployment-588614

Ahmedabad School Murder Case: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ધોળા દિવસે હત્યા કરી હતી. સામાન્ય બાબતે વિદ્યાર્થીને શાળા બહાર છરીના ઘા ઝીંકી દેતા અફરાતફરી મચી ગઇ હતી. આ હુમલામાં વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

શાળામાં તોડફોડ કરવામાં આવી

વિદ્યાર્થીના મોત બાદ આક્રોશમાં આવેલા સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી. ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે આવ્યું તેને માર મારવા લાગ્યા હતા. અને પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં તોડફોડ કરી હતી. આ સાથે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફને પણ માર મારવામાં આવ્યો હતો. શાળાની બિલ્ડિંગને પણ મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. સ્થિતિ કાબુ બારે જતા પોલીસનો કાફલો શાળાએ પહોંચ્યો હતો.

રાજકિય નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા

મણિનગરના ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને ACP પણ સ્કૂલે પહોંચ્યા હતા. આ સાથે જ બજરંગ દળ, VHP, ABVP ના કાર્યકર્તાઓ પણ શાળાએ પહોંચ્યા હતા. સ્કૂલની બહાર હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબૂમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

લોકોએ રસ્તા રોક્યા

સિંધી સમાજના લોકો રસ્તા રોકીને બેસી ગયા છે. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સાથે કેટલાક લોકોએ સ્કૂલમાં બસોની તોડફોડ કરી મીડિયાના કેમેરા પણ બંધ કરાવ્યા હતા.

શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી

ખોખરામાં વિદ્યાર્થીના મર્ડરની દુઃખદ ઘટના પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ ઘટના આપણાં સૌ માટે સામાજિક ચિંતન અને મનન કરવાનો વિષય છે. આ ગંભીર બાબતે જિલ્લા શિક્ષાધિકારી અને તેમની ટીમ સંપૂર્ણ તપાસ કરશે. ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવાશે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આધ્યાત્મિકતા સાથે શિક્ષણ આપવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે.