લોકલ ડેસ્કઃ ગુજરાતમાં અવાર-નવાર સર્જાઇ રહેલા માવઠાને સંકટને પગલે ડબલ સીઝન થઇ જતાં વાયરલ ફીવરના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં સખત તાવના 7400થી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
હાઇ ફીવરના માર્ચ મહિના દરમિયાન ૫૨૫૨ અને 15 એપ્રિલ સુધી 2222 કોલ્સ ઈમરજન્સી સેવા ‘108’ને આવ્યા હતા. જેની સરખામણીએ ગત વર્ષે માર્ચમાં 2046 અને 15 એપ્રિલ સુધી 1112 એમ કુલ 3158 કોલ્સ આવ્યા હતા. આમ, ગત વર્ષના માર્ચ-એપ્રિલની સરખામણીએ હાઇ ફીવરના કેસમાં 235 ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ અમદાવાદમાં માર્ચમાં 1102-15 એપ્રિલ સુધી 408 કોલ્સ હાઇ ફીવર કોલ્સ આવેલા છે. જેની સરખામણીએ ગત વર્ષે માર્ચથી 15 એપ્રિલ દરમિયાન આવેલા કુલ કોલ્સનું પ્રમાણ 589 હતું.
ગુજરાતમાં આ વર્ષે 15 એપ્રિલ સુધી પેટમાં દુઃખાવાના 3074, ઝાડા-ઉલ્ટીના 2236, હીટ સ્ટ્રોકના 7, માથામાં સખત દુઃખાવાના 220, અચાનક બેભાન થઇ જવાના 2662, હાઇ ફીવરના 2236 એમ કુલ 11073 કેસ નોંધાયા છે. જેની સરખામણીએ ગત વર્ષે 15 એપ્રિલ સુધી આ પ્રકારના કુલ 8975 કેસ નોંધાયા હતા. આમ ગત વર્ષની સરખામણીએ કેસમાં 23.38 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં ગરમીને લગતી બિમારીના એપ્રિલમાં 2696 કેસ નોંધાયા છે જ્યારે ગત વર્ષે 2205 કેસ નોંધાયા હતા. આમ ગત વર્ષ કરતાં 22 ટકાનો વધારો થયો છે.