Ahmedabad News: સિલ્વર ઓક યુનિવર્સિટી IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ તેમજ ગુજરાત સેક્સનની IEEE કૉમ્યૂનિકેશન સોસાયટી અને કમ્પ્યુટર સોસાયટી દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સમાં ગણિતના ઉપયોગ પર વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું .સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સ, યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી -સિડની, ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર શુઈ યુ દ્વારા વ્યાખ્યાનમાં એઆઈના ગણિતીય માળખાં અને તેના ઉદ્યોગલક્ષી ઉપયોગો અને સંશોધન ક્ષેત્રે એઆઈની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ ઇવેન્ટની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય અને યુનિવર્સિટીના કુલગીત સાથે કરવામાં આવી હતી. સિલ્વર ઓક યુનિવર્સિટીના તેમજ IEEE કમ્યુનિકેશન સોસાયટી અને કમ્પ્યુટર સોસાયટી, ગુજરાત સેક્શનના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ઇન્ટરનેશનલ એક્સપર્ટ પ્રોફ. શુઈ એ 650થી વધુ ટેક્નિકલ પેપર પ્રકાશિત કર્યા છે અને તેઓ વૈશ્વિક સ્તરે IEEE કોમ્યુનિકેશન સોસાયટીના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે.પ્રોફેસર શૂઈ યુએ તેમના પ્રવચનમાં AI અને ટેકનોલોજી ક્ષેત્રે ગણિતના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, ગણિતનું મૂળ ભારતમાંથી છે, અને ભારતનું ગણિત ક્ષેત્રે ઐતિહાસિક યોગદાન સમગ્ર વિશ્વ માટે અમૂલ્ય છે.
તેમણે AI, એક્ટિવ કમ્યુનિકેશન, ડેટા પ્રોસેસિંગ અને નેટવર્કિંગના મહત્વ તેમજ AI વિકાસના મુખ્ય સિદ્ધાંતો પર ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પોતાની સ્થાનિક ભાષાના ઉથ્થાન માટે AIના ઉપયોગ કરવા માટે પ્રેરણા આપી હતી. હળવી ક્ષણોમાં તેમણે વિદ્યાર્થીઓને સહજ મજાક કરતા કહ્યું હતું, કે વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ માટે ChatGPTનો ઉપયોગ ન કરવો જોઈએ.
સત્રના અંતે આધુનિક AI પદ્ધતિઓ અને સંશોધનો અંગે વિદ્યાર્થીઓના પ્રશ્નોના તેમના દ્વારા જવાબ આપવા માં આવ્યા હતા. પ્રોફેસર શૂઈ યુએ AI અને ગણિતના સમન્વય વિશે મહત્વપૂર્ણ જ્ઞાન પ્રદાન કર્યું હતું અને AI ભવિષ્યની મૂળભૂત ટેકનોલોજી બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સત્ર વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક સાબિત થયું અને તેમને નીષ્ણાંતો સાથે નેટવર્કિંગ કરવાની અનોખી તક મળી હતી.