Ahmedabad School Stabbing Update: અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ટોળાએ શાળાની ઓફિસ, ક્લાસરૂમ અને બસના કાચ તોડીને આશરે રૂપિયા 15 લાખનું નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત, ટોળાએ સ્કૂલ સ્ટાફ સાથે મારામારી પણ કરી હતી. પોલીસની હાજરીમાં આ તોડફોડ થઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે રાયોટિંગ, મારામારી અને નુકસાન પહોંચાડવાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં 20 ઓગસ્ટના રોજ થયેલી તોડફોડ બાદ 21 ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા શાળાને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં શાળા બંધ અને વિસ્તાર બંધનું એલાન પણ અપાયું છે. આને કારણે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલની આસપાસ અને 500 મીટર દૂર સુધી પોલીસ તહેનાત છે. બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો છે, જેમાં સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ રહી છે અને મણિનગર, ખોખરા, ઇસનપુર વિસ્તારની 200 જેટલી શાળાઓ બંધમાં જોડાઈ છે.
આ મામલે પોલીસે હત્યા કરનાર વિદ્યાર્થીની અટકાયત કરી છે અને તેને મદદ કરનાર અન્ય એક વિદ્યાર્થીની પણ શંકાના આધારે અટકાયત કરવામાં આવી છે. હાલ બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે. મૃતક વિદ્યાર્થીના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે, બાળક ઈજાગ્રસ્ત હોવા છતાં શાળાએ એમ્બ્યુલન્સ બોલાવી નહોતી. વધુમાં, પાણીનું ટેન્કર બોલાવીને લોહીના ડાઘ સાફ કરીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ પરિવારે જણાવ્યું છે. આ આક્ષેપોને લઈને સમગ્ર મામલાની ગંભીરતા વધી છે.