Ahmedabad School Stabbing: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાનો મામલો ગરમાયો છે. આ ઘટના બાદ ભારે હંગામો થયો છે અને લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને શાળામાં હાલ પૂરતું પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભવિષ્યમાં પરિસ્થિતિ સામાન્ય થતા, પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાશે. આ ઘટનાના વિરોધમાં VHP અને વેપારી એસોસિએશન દ્વારા મણિનગર, કાંકરિયા અને ઇસનપુર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, જેના કારણે આસપાસની 200 શાળાઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
શિક્ષણ વિભાગને સુપરત કરાયેલા પ્રાથમિક અહેવાલમાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે શાળાએ આ ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને કરી ન હતી. આ ઉપરાંત, જ્યારે વિદ્યાર્થી પર હુમલો થયો ત્યારે શાળાના કોઈ પણ સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ તેની મદદ માટે આવ્યા ન હતા. શાળાએ 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી ન હતી, પરંતુ વિદ્યાર્થીના મિત્રએ તેને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ બેદરકારી દર્શાવે છે કે શાળા તંત્ર વિદ્યાર્થીની સુરક્ષાને લઈને ગંભીર નહોતું અને સમયસર સારવાર પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું હતું.
વાલીઓના આક્ષેપ મુજબ, શાળામાં અગાઉ પણ આવા ઘર્ષણના બનાવો બન્યા હતા, પરંતુ તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બધી ગંભીર ચૂકો અને આક્ષેપો બાદ, હાલ પૂરતું શાળામાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જો શિક્ષકોએ શાળાએ આવવું પડે તો પોલીસ સુરક્ષા ફરજિયાત રાખવી પડશે. વિદ્યાર્થીની હત્યાની જાણ થતાં જ વાલીઓ અને સ્થાનિકોના ટોળાં શાળા પાસે એકઠા થવા લાગ્યા હતા, પરંતુ મેનેજમેન્ટે પરિસ્થિતિ વણસે તે પહેલાં 9,000થી વધુ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળામાં રજા જાહેર કરી દીધી હતી, જેથી મોટી ભીડ એકઠી ન થાય.