Ahmedabad School Stabbing Update: ગુજરાતની રાજધાની અમદાવાદમાં એક શાળામાં બનેલી દુઃખદ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. શાળાના બાળકો દ્વારા હથિયારો લઈને શાળામાં આવવું અને હિંસાનો આશરો લેવો તે આપણા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે તે અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ આ ઘટનાને માત્ર એક અસામાન્ય કિસ્સા તરીકે ન જોતા, સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓને સુધારવા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે વર્ગખંડ અને કેમ્પસ બાળકો માટે સલામત બને તે અત્યંત જરૂરી છે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું કે, આ દુર્ઘટના દર્શાવે છે કે શિક્ષણ વ્યવસ્થામાં ઊંડા મૂળ ધરાવતી સમસ્યાઓ છે. એક તરફ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂલ્ય આધારિત શિક્ષણની વાત કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ વાસ્તવિકતામાં મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે. કેમ્પસમાં નશાનું આગમન અને મારામારી જેવી ઘટનાઓ એ દર્શાવે છે કે આપણે ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોથી દૂર જઈ રહ્યા છીએ. બાળકોમાં વધતી હિંસા પાછળ ગેમ્સ, એકલતા અને માતા-પિતા દ્વારા પૂરતો સમય ન આપવો જેવા કારણો જવાબદાર છે. તેથી, બાળકોને વર્ગખંડમાં જ અહિંસાના પાઠ ભણાવવાની તાતી જરૂરિયાત છે.
મનીષ દોષીએ વધુમાં કહ્યું કે, સરકાર, સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓને માત્ર ફી ઉઘરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવા અપીલ કરી છે. જો બાળકોને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગે યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો સલામત કેમ્પસનું નિર્માણ થઈ શકે છે અને બાળકની જિંદગી પણ બચાવી શકાય છે. સરકારે માત્ર જાહેરાતોમાં નહીં, પરંતુ સાચા અર્થમાં મૂલ્યો શીખવાડવા જોઈએ અને પ્રાર્થના સભા જેવી પ્રવૃત્તિઓમાં ગાંધીજીના વિચારોનો સમાવેશ કરવો જોઈએ, જેથી મજબૂત દેશનું નિર્માણ થઈ શકે.