Ahmedabad News: ગઈકાલે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશમાં 'નમો નવ મતદાતા યુવા સંમેલન'ને સંબોધિત કર્યું હતું. ગુજરાતમાં પણ તમામ વિધાનસભા બેઠક દીઠ આ સંમેલનનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહીને દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમને નિહાળ્યો હતો.

અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વરદ્દ હસ્તે યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ માટે બનાવેલ નવનિર્મિત લાયબ્રેરી, સ્ટુડન્ટ રિક્રિએશનલ એરિયા તેમજ યુનિવર્સિટી ભવનનું સંસ્થાના અગ્રણીઓ ની હાજરીમા લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓએ "નમો નવા મતદાતા" સંમેલન ખાતે હજારો નવા યુવા મતદાતાઓને સંબોધિત કર્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા યુવા મતદાર ભાઈઓ-બહેનોને અભિનંદન આપી પોતાના મતાધિકારનો જરૂરથી ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "વાઈબ્રન્ટ સમિટ થકી ધંધા-વ્યાપાર માટે ગ્લોબલ પ્લેટફોર્મ ઊભું થયું છે અને તેના કારણે જ આજે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે" એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ નવી એજ્યુકેશન પોલીસી યુવાઓ માટે લાભકારક છે તેવું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા યુવા મોરચા દ્વારા 'નમો નવ મતદાતા સંમેલન'નું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે યુવા ભાજપ દ્વારા આજથી સમગ્ર દેશમાં તમામ વિધાનસભાઓમાં નવા મતદારોને શોધીને જાગૃત કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.


આ પ્રસંગે ગુજરાત ભાજપ યુવા પ્રમુખ શ્રી પ્રશાંત કોરાટ, ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિતભાઈ શાહ તથા સિલ્વર ઓક યુનિવર્સિટીના ચેરમેન-શીતલ અગ્રવાલ ,એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ-પૂનમ અગ્રવાલ, વાઇસ પ્રેસિડેન્ટ-જનક ખાંડવાલા, ડિરેક્ટર- શ્વેતા ખાંડવાલા અને વાઇસ ચાંસેલર સૌરીન શાહ તેમજ યુવા મોરચાના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.