Hu Ane Tu Review: ગુજરાતી ભાષાના લીડિંગ ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી પર લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ 'હું અને તું' સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મ સ્ટ્રીમ થવાની સાથે જ દર્શકોના પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યા છે. શેમારૂમીએ દર વખતની જેમ આ વખતે પણ કન્ટેન્ટ દ્વારા પોતાના દર્શકોને ખુશખુશાલ કરી દીધા છે અને સાબિત કર્યું છે કે ગુજરાતી દર્શકોની નાડ પારખવામાં તેમનો જોટો જડે તેમ નથી.
આ ફિલ્મની વાર્તા પિતા પુત્રની છે. પુત્રના લગ્ન કરવાની ઉંમરે પિતાને પણ પ્રેમ થઈ જાય છે. તેજસના વિધુર પિતાની મુલાકાત કોલેજ કાળની ક્રશ કેતકી સાથે થાય છે, અને બંને લગ્ન કરવાનું નક્કી કરે છે. બીજી તરફ તેજસ અને રેવા પણ લગ્ન માટે તૈયાર છે. વરઘોડા તો બે તૈયાર છે, પરંતુ માંડવે કોનો વરઘોડો પહોંચશે તે એક સવાલ છે. સિચ્યુએશનમાં એક એવો ટ્વિસ્ટ છે કે બાપ-દીકરો લગ્ન કરવા અને બીજાના લગ્ન ન થાય, તે માટે પ્રયત્નો કરે છે. પરંતુ આખરે પિતાનો પ્રેમ જીતે છે કે પુત્રપ્રેમ જીતે છે, તે જોવું રહ્યું.

જો કે, આ બધા જો ગોટાળા વચ્ચે દર્શકો માટે હાસ્યનો અસ્ખલિત પ્રવાહ વહ્યા કરે છે. ડિરેક્ટર મનન સાગરે અને રાઈટર વિનોદ સરવૈયાએ સ્ક્રીનપ્લે તેમજ વનલાઈનર્સ લખવામાં અને તેને એક્ઝિક્યુટ કરવામાં કમાલ કરી છે. સીન્સમાં આવી સિચ્યુએશનલ કોમેડી વગર ડાઈલોગ્સે પણ દર્શકોને ખડખડાટ હસાવે છે.
ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાનું પાત્ર અદભૂત રીતે કેરી કર્યું છે, તેમની હાજરી જ દર્શકોને હસાવવા માટે પૂરતી છે. સાથે જ તેમના વનલાઈનર્સ પણ મજેદાર છે. તો સોનાલી લેલે દેસાઈ, પરિક્ષિત તામલિયા અને પૂજા જોશીનું કામ પણ નોંધપાત્ર છે. આ ફિલ્મના કેટલાક ગીતો પણ ગમી જાય એવા છે. લિરિક્સ અને મ્યુઝિક ક્ષેત્રે કેદાર ભાર્ગવ પણ સફળ રહ્યા છે.

જો કે આ ફિલ્મની સૌથી ખાસ વાત તેમાં અપાયેલો મેસેજ છે. જો જીવનની સેકેન્ડ ઈનિંગમાં પ્રેમ થાય તો કેવી સ્થિતિ સર્જાય. સમાજ સ્વીકારશે કે નહીં તે વચ્ચે, પરિવાર શું કહેશે, એ સવાલ હોય ત્યારે બાળકો માતા પિતાને સપોર્ટ કરે કે વિરોધ કરે? આ એક અઘરા સબ્જેક્ટને આ ફિલ્મમાં હાસ્યની સાથે સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. એકંદરે ફિલ્મ 'હું અને તું' હાસ્યની મજબૂત ગેરેન્ટી છે. આ દિવાળી પહેલા તમે પરિવાર સાથે બેસીને ફિલ્મ જોતા જોતા પરફેક્ટ ફેમિલી ટાઈમ એન્જોય કરશો, તેમાં કોઈ શંકા નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.