Achyut Potdar Passes Away: મનોરંજન જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી સિનેમાના વરિષ્ઠ કલાકાર અચ્યુત પોતદારનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર બાદ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અચ્યુત પોતદારનું 91 વર્ષની વયે નિધન
પોતાની શાનદાર અભિનય કારકિર્દીમાં 125 થી વધુ ફિલ્મો દ્વારા ચાહકોનું મનોરંજન કરનાર અચ્યુત પોતદારને સૌથી વધુ ખ્યાતિ સુપરસ્ટાર આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઇડિયટ્સ'માં પ્રોફેસરની ભૂમિકા ભજવવા બદલ મળી હતી. ફિલ્મી દુનિયામાં લાંબા સમય સુધી દિગ્ગજ અભિનેતા તરીકે પોતાની છાપ છોડનાર અચ્યુત હવે આપણી વચ્ચે નથી. તેમના નિધનની સત્તાવાર માહિતી મરાઠી ટીવી ચેનલ સ્ટાર પ્રવાહ દ્વારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. તેઓ મોટા પડદા ઉપરાંત નાના પડદાના પણ એક ઉમદા કલાકાર હતા.

ભારતીય સેનામાં અને ઇન્ડિયન ઓઇલ કંપનીમાં પણ સેવા આપી
અચ્યુત પોતદારે લાંબા સમય સુધી ભારતીય સેનામાં સેવાઓ આપી હતી. આ ઉપરાંત તેઓ ઇન્ડિયન ઓઇલ કંપનીમાં પણ લાંબા સમય સુધી કાર્યરત રહ્યા હતા. 80ના દાયકામાં તેમણે અભિનયની દુનિયા તરફ વળ્યા. ત્યારબાદ તેમને ટીવી પર બ્રેક મળ્યો અને 4 દાયકા સુધી તેઓ સતત કામ કરતા રહ્યા. મૂળરૂપે તેઓ એક મરાઠી અભિનેતા હતા અને ત્યાં તેમણે ઘણી ફિલ્મો અને ટીવી શો કર્યા હતા.

પોતાના ઉત્તમ અભિનય કારકિર્દી દરમિયાન અચ્યુત પોતદારે હિન્દી અને મરાઠી સહિત અન્ય ભાષાઓની ફિલ્મો સહિત લગભગ 125 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની લોકપ્રિય ફિલ્મોમાં 'અર્ધ સત્ય', 'તેઝાબ', 'દિલવાલે', 'વાસ્તવ', 'પરિણીતા', 'લગે રહો મુન્ના ભાઈ', 'દબંગ' અને '3 ઇડિયટ્સ' જેવી ઘણી પ્રખ્યાત ફિલ્મોનો સમાવેશ થાય છે.