ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ સહિતના 16 મંત્રીઓએ શપથ લીધા.જેમાં એકમાત્ર મહિલા ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું. રાજકોટ ગ્રામ્યથી જવલંત જીત મેળવીને ભાનુબેન બાબરીયાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલના કેબિનેટમાં એકમાત્ર મહિલા ધારાસભ્ય તરીકે ભાનુબેન બાબરીયાને સ્થાન આપવામાં આવ્યું છે. તેમને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ આપવામાં આવ્યો છે.
એજ્યુકેશન અને સંપત્તિની વિગત
રાજકોટ રૂરલ બેઠક પરથી વિજેતા થયેલા ભાનુબેન બાબરીયાની ઉમર 47 વર્ષ છે. તેમની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન છે. સંપત્તિની વાત કરવામાં આવે તો તેમની કુલ સંપત્તિ રૂ. 2 કરોડ છે. જેમાંથી 1 કરોડ સ્થાવર મિલકત અને 1 કરોડ મુવેબલ મિકલત છે.
કોણ છે ભાનુબેન બાબરીયા?
ભાનુબેન બાબરીયા બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ 2007 અને 2012માં રાજકોટ ગ્રામ્ય અનામત બેઠક પરથી જીત મેળવી હતી.ત્યારે આ વખતે તેઓ ત્રીજી વખત ધારાસભ્ય બન્યાં છે. ભાનુબેન હાલ રાજકોટ મહાનગરપાલિકાના કાઉન્સિલર પણ છે. તેઓ રાજકોટ વોર્ડ નંબર-1ના કોર્પોરેટર તરીકે 2019માં ચૂંટાયા હતા. ફાયરબ્રાન્ડ લીડર તરીકે જાણીતા ભાનુબેન બાબરીયા સ્નાતક છે.

શિડ્યુલ કાસ્ટ માટેની આ અનામત બેઠકમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા લાખાભાઈ સાગઠિયાને ભાજપે ટિકિટ આપી હતી. રાજકોટ ગ્રામ્યની બેઠક પર અગાઉ ભાનુબેનના સસરા માધુભાઈ બાબરીયા 1998માં વિજેતા બન્યા હતા. ત્યારે આ વખતે ફરી ભાનુબેન બાબરિયાને ટિકિટ આપી હતી અને તેઓ જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છે. ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઈ બાબરીયા પણ ભાજપના સક્રિય અગ્રણી છે.
ભાનુબેન બાબરીયાએ વશરામ સાગઠિયાને હરાવ્યા
ભાનુબેન બાબરીયાએ આ ચૂંટણીમાં આપના નેતા વશરામ સાગઠિયાને 48,946 મતથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં ભાનુબેનને 1,19,695 મત મળ્યા હતા. જ્યારે આપના ઉમેદવાર વશરામ સાગઠિયાને 71,349 મત તો કોંગ્રેસના ઉમેદવારને 29,000 મત મળ્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાનુબેન બાબરિયા 11,466 મતથી જીત્યાં હતાં.