Russian Oil: રશિયા પાસેથી સસ્તા ભાવથી ક્રુડ ઓઈલ(crude oil)ની આયાત કરવાથી ભારતને વાર્ષિક ફક્ત 2.5 અબજ ડોલરનો લાભ થયો છે, જે અગાઉ અંદાજવામાં આવેલ 10થી 25 અબજ ડોલર કરતાં ઘણો ઓછો છે. એક સંશોધન અહેવાલમાં આ અંગેના કેટલાક તારણો રજૂ કરવામાં આવ્યા છે.
બ્રોકરેજ કંપની CLSA દ્વારા ગત ગુરુવારે જે અહેવલ જાહેર કરવામાં આવ્યો તે પ્રમાણે રશિયાના ક્રુડ ઓઈલની આયાતથી ભારતને થતો લાભ મીડિયામાં વધારીને દર્શાવવામાં આવ્યો છે. અમારા અંદાજ પ્રમાણે આ લાભ ભારતના GDPના ફક્ત 0.06 ટકા એટલે કે ફક્ત 2.5 અબજ ડોલર છે.
ફેબ્રુઆરી,2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયાથી ક્રુડ ઓઈલની આયાત વધારી છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતે દૈનિક કૂલ 54 લાખ બેરલ આયાતમાંથી 36 ટકા એટલે કે દૈનિક 18 લાખ બેરલ ક્રુડ ઓઈલની રશિયાથી આયાત કરી છે. યુક્રેન યુદ્ધ અગાઉ આ આંકડો ફક્ત એક ટકાથી પણ ઓછું હતું.
પશ્ચિમી દેશોએ તેલના વેચાણ પર પ્રતિબંધો લાદ્યા બાદ રશિયાએ તેના ક્રુડ ઓઈલ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું હતું, જેનાથી ભારતને સસ્તી ઉર્જા પુરવઠો સુનિશ્ચિત થયો હતો. જોકે અમેરિકા સહિત કેટલાક દેશોએ ભારતની ટીકા કરી હતી અને તેને નફાખોરી ગણાવી હતી.
જોકે CLSA એ કહ્યું હતું કે રશિયન ક્રુડ ઓઈલ પર પ્રતિ બેરલ 60 ડોલરની કિંમત મર્યાદા એક મોટી છૂટ લાગે છે, વાસ્તવમાં વીમા, શિપિંગ અને પુનઃવીમા પર અનેક પ્રતિબંધોને કારણે ભારતને ફાયદો ઘણો ઓછો છે.
અહેવાલ દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2023-24માં રશિયન તેલ પર સરેરાશ ડિસ્કાઉન્ટ પ્રતિ બેરલ 8.5 ડોલર હતું, જે 2024-25માં ઘટીને ત્રણ-પાંચ ડોલર અને તાજેતરના મહિનાઓમાં પ્રતિ બેરલ 1.5 ડોલર થઈ ગયું છે.
CLSA એ ચેતવણી આપી છે કે જો ભારત રશિયાથી ક્રુડ ઓઈલની આયાત બંધ કરશે તો તે વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપ પાડશે અને ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 90 થી 100 ડોલર સુધી પહોંચી શકે છે, જેના કારણે વૈશ્વિક ફુગાવામાં વધારો થઈ શકે છે.