Nazara Tech Share Price:લૂડો ક્લાસિક જેવી ઓનલાઈન ગેમ્સની કંપની નઝારા ટેકનોલોજીના શેરોમાં ગુરુવારના રોજ ભારે ઘટાડો થયો હતો. ઈન્ટ્રા-ડેમાં કંપનીના શેરમાં આશરે 11 ટકાનો કડાકો આવ્યો હતો. જોકે બજાર કામકાજને અંતે શેરનો ભાવ રૂપિયા 25.50 એટલે કે 2.09 ટકા તૂટી રૂપિયા 1193.90 રહ્યો હતો.કંપનીના શેરોમાં આ ઘટાડો સરકાર તરફથી ઓનલાઈન ગેમિંગ બિલ પાસ કર્યાં બાદ થયો છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે કંપનીના શેરનો ભાવ રૂપિયા 1,193.90 રહ્યો છે. ઈન્ટ્રા-ડેમાં શેરનો ભાવ ઊંચામાં રૂપિયા 1,220 અને નીચામાં રૂપિયા 1,085 રહ્યા હતા. કંપનીના શેરોમાં અનેક દિગ્ગજ રોકાણકારોએ રોકાણ કર્યું છે. તેમાં રેખા ઝુનઝુનવાલા, નિખીલ કામત જેવા દિગ્ગજ રોકાણકારો આ કંપનીના શેરોમાં રોકાણ ધરાવે છે.
બુધવારે લોકસભામાં ઓનલાઈન ગેમ્સ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ પસાર થયું. આ બિલમાં ભારતમાં કોઈપણ પ્રકારની રમી મની ગેમ (RMG) અને તેનાથી સંબંધિત જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે. વધુમાં ભારતમાં RMG ઓફર કરનાર કોઈપણ વ્યક્તિને ત્રણ વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની પણ ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત, આવી RMG કંપનીઓ સાથે કામ કરવા પર બેંકિંગ સંસ્થાઓને પ્રતિબંધિત કરવાની જોગવાઈ છે.