GST 2.0: આગામી સમયમાં GST સિસ્ટમમાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર મોટો લાભ મળી શકે છે. GST કાઉન્સિલના એક વિશેષ મંત્રી જૂથે સૂચન કર્યું છે કે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને GSTમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવી જોઈએ. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે તો આમ લોકોને આ ટેક્સના બોજમાંથી મોટી રાહત મળી શકે છે.
હેલ્થ- લાઇફ ઇન્સ્યોરન્સના GSTમાં રાહત
હાલમાં હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા GST લાગે છે. જો આ સૂચનનો સ્વીકાર કરવામાં આવે, તો વીમા પોલિસી ખરીદવા પર તમારે 18 ટકા ટેક્સ ચૂકવવો પડશે નહીં, જેનાથી પ્રીમિયમ સસ્તું થશે અને વધુ લોકો તેનો લાભ લઈ શકશે. આ પગલું વીમા પોલિસીને વધુ સસ્તી અને સામાન્ય લોકો સુધી તેની પહોંચને સરળ બનાવશે.
GST 2.0 નો હેતુ
GST 2.0 રિફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની GST સિસ્ટમને વધુ સારી, સરળ અને સૌના માટે ફાયદાકારક બનાવવાનો છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું છે કે આ સુધારાથી ખાસ કરીને ખેડૂતો, મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ રિફોર્મને "દિવાળીની ભેટ" ગણાવ્યો છે.
આ પણ વાંચો
જોકે કેટલાક રાજ્યોને ચિંતા છે કે આ છૂટનો લાભ વીમા કંપનીઓથી સીધો ગ્રાહકો સુધી પહોંચશે કે નહીં, કારણ કે વીમા કંપનીઓને તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે. આ મુદ્દા પર પણ મંત્રી જૂથે ધ્યાન આપ્યું છે અને GST કાઉન્સિલને એવો કોઈ રસ્તો શોધવા જણાવ્યું છે જેથી આ ફાયદો સામાન્ય જનતા સુધી પહોંચે.
ઓછા ભાવે મળી શકશે વસ્તુઓ
આ સુધારા બાદ ટેક્સ સિસ્ટમ વધુ સરળ બની શકે છે. નાણામંત્રીએ કહ્યું કે આ ફેરફારો ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને દેશને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદ કરશે. સાથે જ ઉપભોક્તાઓને જરૂરી વસ્તુઓ અને સેવાઓ સરળતાથી અને ઓછા ભાવે મળી શકશે. મંત્રી જૂથ પોતાનો રિપોર્ટ સપ્ટેમ્બરમાં મળનારી GST કાઉન્સિલને સોંપશે, જ્યાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.