Cotton Price After Import Duty Removal: કેન્દ્ર સરકારે કપાસ પરની 11 ટકા આયાત ડ્યુટી નાબૂદ કર્યા પછી તરત જ ભાવમાં ઘટાડો શરૂ થયો છે. બે દિવસમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI)એ કપાસના ભાવમાં પ્રતિ કેન્ડી (356 કિલો દીઠ) 1,100 રૂપિયાનો ઘટાડો કર્યો છે .
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા મુજબ 19 ઓગસ્ટથી કપાસ પરની આયાત જકાત નાબૂદ કરવામાં આવી છે. તે જ દિવસે, CCI એ કપાસના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને બીજા દિવસે તેમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નવા ભાવો હેઠળ મહારાષ્ટ્ર માટે 28 મીમી કપાસનો ભાવ રૂપિયા 55,400 , 29 મીમી કપાસનો ભાવ રૂપિયા 55,400 અને 30 મીમી કપાસનો ભાવ રૂપિયા 55,700 પ્રતિ કેન્ડી નક્કી કરવામાં આવ્યો છે.
ટ્રમ્પના ટેરિફનો ભોગ બની રહેલા ભારતના કાપડ ઉદ્યોગે કપાસ પરની આયાત ડ્યુટી દૂર કરવાની માંગ કરી હતી, કારણ કે અમેરિકાના 50 ટકા ટેરિફથી આ ક્ષેત્રને નુકસાન થવાની શક્યતા છે. ભારત સરકારના આ પગલાને અમેરિકા સાથેના વેપાર તણાવ ઘટાડવાના પગલા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે તેનાથી અમેરિકા સાથે વાતચીતના નવા રસ્તા ખુલી શકે છે.
બીજી બાદુ દેશમાં કપાસના વાવેતરનો વિસ્તાર અને ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. ભારતમાં કપાસનું ઉત્પાદન તેના સર્વોચ્ચ સ્તર 390 લાખ ગાંસડીથી લગભગ 90 લાખ ગાંસડી ઘટીને 300 લાખ ગાંસડી થયું છે અને એક મોટા નિકાસકાર તરીકે સ્થાપિત થયા પછી ભારત હવે કપાસનો મોટો આયાતકાર બની ગયો છે.