Diabetes Signs: ડાયાબિટીસ એક એવી લાઈલાજ બીમારી છે, જે શરીરના લગભગ દરેક અંગને અસર કરે છે. હંમેશા આ બીમારીની શરૂઆત એટલી ધીમી હોય છે કે, વ્યક્તિને ખબર જ નથી પડતી. ખાસ વાત એ છે કે, આ બીમારીના શરૂઆતના સંકેત આપણને આપણાં પગમાં જ સ્પષ્ટ જોવા મળી જાય છે.
પગ આપણા શરીરનો એક એવો ભાગ છે, જ્યાં આપણે સૌથી ઓછું ધ્યાન આપીએ છીએ. જો કે ડાયાબિટીસના કેસમાં પગ વૉર્નિંગ એલાર્મની જેમ કામ કરે છે. જો તમે પણ પગમાં જોવા મળતા આ સંકેતને સમયસર ઓળખી લો, તો પાછળથી થતી ડાયાબિટીક ન્યૂરોપૈથી કે પગના અલ્સરથી બચી શકો છો. તો ચાલો પગમાં જોવા મળતા ડાયાબિટીના લક્ષણો વિશે વિગતવાર જાણીએ…
આ પણ વાંચો
- પગ સુન્ન થવા કે કળતર: ડાયાબિટીસનું આ સૌથી સામાન્ય અને શરૂઆતનું લક્ષણ છે. જેમાં પગના તળિયામાં સોંય ભોંકાતી હોય તેવું લાગ્યા કરે. પગ સુન્ન થઈ જાય અથવા કળતર થવા લાગે, તો આવું સુગરનું લેવલ વધી જવાના કારણે નર્વ્સ સિસ્ટમને નુકસાન પહોંચવાના કારણે થતું હોય છે. શરૂઆતમાં આ લક્ષણો ક્યારેક-ક્યારેક જ અનુભવાય છે, પરંતુ ધીમે-ધીમે તે વારંવાર થવા લાગે છે.
- પગમાં બળતરા: ઘણાં લોકોને પગના તળિયામાં બળતરાનો અહેસાસ થાય છે. ખાસ કરીને રાતના સમયે એવું લાગે કે, પગ જાણે આગની તપતી ભઠ્ઠી પર મૂકી દીધો છે. આ પણ નર્વ ડેમેજનું એક અગત્યનું લક્ષણ છે.
- ઠંડા પગ: શિયાળા સિવાય ગરમીની સિઝનમાં પણ જો તમારા પગ ઠંડા રહે, તો ચિંતાજનક છે. ડાયાબિટીસ બ્લડ વેસલ્સને સંકુચિત કરી શકે છે. જેના પરિણામે પગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. જેના પરિણામે પગને ગરમ રાખવા મુશ્કેલ થઈ જાય છે.
- પગની સ્કિનમાં ફેરફાર: ડાયાબિટીસની શરૂઆતમાં પગની સ્કિનમાં પણ કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. જેમ કે પગની સ્કિન ડલ અર્થાત શુષ્ક થઈ જાય છે, જેના પરિણામે ખંજવાળ આવવા લાગે છે. ખરાબ બ્લડ સર્ક્યુલેશનના કારણે પગની સ્કિન પીળાશ પડતી થઈ જાય છે.
- દુખાવો: સામાન્ય રીતે ચાલતા-દોડતા કે કોઈ ફિજિકલ એક્ટિવિટી કરતી વખતે પગ, એડી, સાંધા અને જાંઘમાં દુખાવો ઉપડે છે, જે થોડો આરામ કરવાથી દૂર થઈ જાય છે. જો કે ફરીથી ચાલવાનું શરૂ કરીએ, તે સાથે જ દુખાવો ઉપડે છે. જેને ક્લૉડિકેશન કહે છે, જે પેરિફરી આર્ટરી ડિસિઝનું લક્ષણ છે. ડાયાબિટીસના દર્દીઓમાં આ લક્ષણ સામાન્ય છે.
- ઘા રૂઝવામાં વિલંબ: જો પગમાં ક્યાંય વાગ્યું હોય એટલે કે છોલાયું હોય કે ઊંડો ઘા પડ્યો હોય, તો તેને રૂઝ આવવામાં સામાન્ય કરતાં વધારે સમય લાગે, તો તે પણ ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે. હાઈ સુગર લેવલ ઘા રૂઝવાની ક્ષમતાને ઓછી કરી નાંખે છે. જેના પરિણામે ઈન્ફેક્શન સામે લડવાની તેમજ ઘા મટવાની પ્રક્રિયા મંદ પડી જતી હોય છે.
- નખમાં ફેરફાર: પગના નખ મોટા, પીળાશ પડતા કે ભુરા રંગના થઈ શકે છે. આ સાથે જ તેમાં ફંગલ ઈન્ફેક્શન થવાનો ખતરો પણ વધી જાય છે.