Gandhinagar News: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ભંડોળનો આંકડો વર્ષ-દર વર્ષે વધારતા અને નવા વિક્રમો સર્જતા, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)ના લગભગ 55 ટકા (54.87%) યુવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન સંસ્થામાં લગભગ 70 લાખ રૂપિયાનું આર્થિક યોગદાન આપ્યું છે. ગયા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આ સંખ્યા 50 ટકા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 47.50 લાખ રૂપિયાના યોગદાન પર હતી. આ સાથે સંસ્થાએ સતત ચોથા વર્ષે 50 ટકાથી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થી દાતાઓની સિદ્ધિ હાંસલ કરી છે.
IITGNના 3,140 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી, 1,723 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નાણાકીય વર્ષ 2022-23માં સંસ્થાને સામૂહિક રીતે 69 લાખ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે, જેથી વર્તમાન વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંશોધનની નોંધપાત્ર તકો, અને વાઇબ્રન્ટ કેમ્પસ લાઇફ પ્રદાન કરવાનું ચાલુ રાખી શકાય. તેમણે વિવિધ વિદ્યાર્થી કલ્યાણ પહેલો જેમ કે આંતરરાષ્ટ્રીય ઇન્ટર્નશિપ, વિદ્યાર્થીને નાણાકીય સહાય, અને ઉદ્યોગસાહસિકતા માટે ભંડોળ પૂરું પાડ્યું છે. તેમણે તેમની મનપસંદ કેમ્પસ પ્રવૃત્તિઓ અને પહેલો, જેમ કે રમતગમત, સાંસ્કૃતિક અને તકનીકી ઉત્સવો, Art at IITGN, સમુદાય કલ્યાણ કાર્યક્રમો વગેરે માટે પણ દાન આપ્યું છે.
આ વર્ષે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સરેરાશ યોગદાન વધીને રૂ. 4000 થયું છે, જે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 3388 હતું. વિવિધ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સરેરાશ દાન તો તેનાથી પણ વધારે, એટલે કે રૂ. 6812, છે. 2022માં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓમાંથી આશ્ચર્યજનક 81 ટકા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નાણાકીય વર્ષ 2022-23માં IITGNમાં યોગદાન આપ્યું છે. નોંધપાત્ર રીતે, સ્નાતક અને અનુસ્નાતક પાસ પૂર્વ વિદ્યાર્થી દાતાઓનું પ્રમાણ સમાન છે.
IITGN ને તેઓ શા માટે સપોર્ટ કરે છે એ સમજાવતા, કૃતિકા ભગતાનીએ જણાવ્યું કે,ફ્લેક્સિબલ શૈક્ષણિક વાતાવરણે મને શીખવાની અને એક્સ્પ્લોર કરવાની સ્વતંત્રતા આપી. તેણે મારી કારકિર્દી અને વ્યક્તિત્વને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હું આજે જ્યાં છું ત્યાં સુધી પહોંચવામાં મને મદદ કરવા બદલ આભાર વ્યક્ત કરવા માટે હું IIT ગાંધીનગરને મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ કંઈક આપવા માંગુ છું.
તાજેતરના વર્ષોમાં IIT ગાંધીનગરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી મળતા દાનમાં ઝડપથી વધારો થયો છે. નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 36 લાખથી લઈને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 69 લાખ સુધી પહોંચીને છેલ્લા ત્રણ વર્ષમાં તે લગભગ બમણું થઈ ગયું છે. 85%થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માસ્ટરક્લાસનું આયોજન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટ-એન્ડ-ગ્રીટ્સનું આયોજન, વાર્ષિક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પુનઃમિલનમાં ભાગ લેવો, શિષ્યવૃત્તિઓની સ્થાપના વગેરે સહિત અન્ય વિવિધ પહેલોમાં પણ સંસ્થાને સક્રિયપણે સપોર્ટ કરી રહ્યાં છે.
વાસ્તવમાં, IIT ગાંધીનગર ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપવામાં આવેલી 23 શિષ્યવૃત્તિઓમાંથી લગભગ અડધી શિષ્યવૃત્તિઓ છેલ્લા બે નાણાકીય વર્ષોમાં સ્થાપિત કરવામાં આવી છે, જે ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. એક લાખની નાણાકીય સહાય પૂરી પાડે છે. IITGNની શરૂઆતથી, 84.5 ટકા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછું એકવાર યોગદાન આપ્યું છે.
પ્રો. જેસન એ. મંજલી, જસુભાઈ મેમોરિયલ ચેર પ્રોફેસર અને પ્રોફેસર-ઈન-ચાર્જ, એલ્યુમની રિલેશન્સ, IITGN,એ જણાવ્યું કે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક કોઈપણ શૈક્ષણિક સંસ્થા માટે સપોર્ટનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. અમારા યુવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આવો સ્નેહ હ્રદયસ્પર્શી છે; સાથે જ, તે IITGNના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મજબૂત નેટવર્ક અને તેમના અલ્મા મેટર સાથેના તેમના લાંબા સમયથી ચાલતા સંબંધોનો પુરાવો પણ છે. IIT ગાંધીનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હંમેશા તેમની ઉદારતાથી અમારી અપેક્ષાઓ વટાવી છે. સંસ્થા તેમના માટે આભારી છે અને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને તેમની સતત ભાગીદારી અને સપોર્ટને પ્રોત્સાહિત કરે છે.